કોવિડમાં એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયલ ઇન્ફેક્શનની શંકા હોય તો જ આપવી
નવી દિલ્હી: કોરોના વાઇરસના પુખ્ત વયના દરદીઓની સારવાર અંગે કેન્દ્ર સરકારે બહાર પાડેલી નવી સુધારિત માર્ગદર્શિકા અનુસાર બેક્ટેરિયલ ઇન્ફેક્શનની શંકા હોય તો જ કોવિડના કેસમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો. કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે એ પરિસ્થિતિમાં રવિવારે બહાર પાડવામાં આવેલી સુધારિત માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે લોપીનાવીર – રિટોનાવિર, હાઇડ્રોક્સીક્લોરોક્વીન, ઇવરમેક્ટિન, મોલનુપિરાવિર, ફેવિપિરાવિર. એઝીથ્રોમાયસીન અને ડ્રોક્સીસાયક્લીન ભારતમાં કોવિડ – ૧૯ના દરદીઓની સારવારમાં વાપરવી નહીં.
એઆઇઆઇએમએસ/ આઈસીએમઆર – કોવિડ ૧૯ માટેની રાષ્ટ્રીય સ્તરની ટીમની બેઠક સુધારિત તબીબી માર્ગદર્શિકા માટે પાંચમી જાન્યુઆરીએ મળી હતી. આ માર્ગદર્શિકામાં ડૉક્ટરોને પ્લાઝમા થેરપી નહીં વાપરવાની સલાહ પણ આપવામાં આવી છે. માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ‘બેક્ટેરિયા ઇન્ફેક્શનની સિવાય એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો નહીં. કોવિડ – ૧૯ના ઇન્ફેક્શન સાથે બીજું કોઈ ઇન્ફેક્શન થયું છે કે એની શક્યતા તપાસી લેવી જોઈએ.’
વધુ માહિતી અનુસાર જો કોવિડ – ૧૯ની તીવ્રતા વધી ગઈ હોય અને બહારથી ઓક્સિજન લેવો પડે એવી અવસ્થા હોય તો પાંચ દિવસ માટે રેમડેસિવીર આપવા માટે વિચારી શકાય. તીવ્રતા વધી ગઈ હોય એવા દરદીમાં લક્ષણો દેખાતા હોય એના ૧૦ દિવસમાં એ આપવાની શરૂઆત કરી દેવી જોઈએ. અલબત્ત એ દરદી આઇએમવી કે ઇસીએમઓ હેઠળ ન હોવો જોઈએ. આ સિવાય પણ અન્ય કેટલીક વિગતો માર્ગદર્શિકામાં આપવામાં આવી છે. (પીટીઆઈ)