સરકારી કોલેજોમાં ઘણા ઓછા ભાવે મેડિકલ એજ્યુકેશન લેનારા વિદ્યાર્થીઓ જ્યારે ગામડામાં ઈન્ટર્નશિપ માટે જવાનો વારો આવે ત્યારે વિદ્યાર્થીઓ છટકી જાય છે અને ગામડામાં જતા નથી. રાજ્યમાં 350 એવા ડોક્ટર હોવાનો ખુલાસો ખુદ આરોગ્ય પ્રધાને કર્યો છે અને આ સાથે બોન્ડ પોલીસીમાં ફેરફાર કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોને પર્યાપ્ત તબીબી સેવાઓથી સજ્જ કરવાના હેતુસર ગુજરાત સરકારે મેડિકલ વિદ્યાર્થીઓ માટે નવી બૉન્ડ-પૉલિસી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે બોન્ડની રકમને રૂપિયા પાંચ લાખથી વધારીને રૂપિયા દસ લાખ સુધી લઈ જવામાં આવે તેવી શક્યતા છે. સરકારી મેડિકલ કૉલેજમાં તબીબી ડિગ્રી લઈને મેડિકલ સ્ટુડન્ટો વધારે સમય સેવા ગ્રામીણ વિસ્તારોમાં આપે તેવો સરકારનો હેતુ છે.
સોમવારે ગુજરાત વિધાનસભામાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે એક ચર્ચા દરમિયાન આ અંગે સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે, જે મેડિકલ વિદ્યાર્થીઓ રાહતદરે અભ્યાસ કરવા ઇચ્છનારા મેડિકલ વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપવા તૈયાર છે કે કેમ, તે બાબત સરકાર સુનિશ્ચિત કરશે. આ દિશામાં નવી નીતિ લાવીને તેને આગામી શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું છે.
પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરો આપણી હૉસ્પિટલોમાં સેવા આપે તે માટે તેમને પ્રોત્સાહન આપવા અમે ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપવાના બે વર્ષના સમયને બદલવાનો નિર્ણય કર્યો છે. હવે ગામડાંમાં બે વર્ષને બદલે જે મેડિકલ પી.જી. ડૉક્ટરો દોઢ વર્ષ સેવા આપવા જશે તેમને રૂ. 60 લાખ ભરવામાં મુક્તિ મળશે. તેમણે ઉમેર્યું કે, 350થી વધારે ડૉક્ટરોએ પોતે રાજ્ય સરકાર સંચાલિત મેડિકલ કૉલેજોમાં અભ્યાસ કરીને પણ ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપી નથી.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા સંચાલિત કૉલેજમાં પ્રવેશ-પ્રક્રિયા વખતે મેડિકલ વિદ્યાર્થીએ એક બૉન્ડ ઉપર સહી કરવાની હોય છે જેમાં તેમણે પોતાના મેડિકલ અભ્યાસ બાદ એક વર્ષ સુધી ગ્રામીણ વિસ્તારમાં તબીબી સેવા કરવાનું વચન આપવાનું રહે છે. પરંતુ, ડૉક્ટરો તેના બદલામાં એમ.બી.બી.એસ. બાદ રાજ્ય સરકારમાં રૂ. 20 લાખ ભરીને અને એમ.એસ.-એમ.ડી. કોર્સ બાદ રૂ. 40 લાખ ભરીને આ બૉન્ડનો ભંગ કરી શકે છે. સુપર-સ્પેશ્યાલિટી કોર્સ કરનાર સ્ટુડન્ટ માટે આ રકમ રૂ. 50 લાખની રહે છે.
જોકે ગ્રામીણ વિસ્તારોમાં ન જતા વિદ્યાર્થીઓની એવી દલીલ હોય છે કે ગ્રામીણ વિસ્તારોમાં કોઈ સુવિધા ન હોવાથી આરોગ્ય કેન્દ્રોમાં કામ કરવાનું ખૂબ કઠિન બને છે.