મુંબઈ: રાજ્યમાં વધી રહેલા ધર્માંતરણ અને આંતરધર્મી લગ્નોના બનાવ અંગે સરકાર ગંભીર છે અને આ બાબતે અલગ અલગ રાજ્યો દ્વારા બનાવવામાં આવેલા વિશેષ કાયદાનો અભ્યાસ કરીને તે અંગે યોગ્ય નિર્ણય લેવાનું સરકાર સ્તરે વિચારાધીન છે, એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં ગુરુવારે જણાવ્યું હતું.
વિધાન પરિષદમાં માંડવામાં આવેલી ધ્યાનાકર્ષક સૂચનાનો જવાબ આપતાં ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાં થોડા સમયમાં છેતરપિંડીના ઈરાદાથી કેટલાક આંતરધર્મી લગ્ન કરવામાં આવી રહ્યા છે. આ બાબતે સરકાર અત્યંત ગંભીર છે. આ બાબતે મળી રહેલી ફરિયાદ પર તત્કાળ કાર્યવાહી કરવા માટે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસના માધ્યમથી માર્ગદર્શક તત્ત્વો નિર્ધારિત કરવામાં આવળે, વારંવાર આવા બનાવ બની રહ્યા છે. આની પાછળ રહેલા કારણોની તપાસ કરવામાં આવશે.
ધર્મ બદલવાનો આગ્રહ કરવો, અજ્ઞાનનો ફાયદો લઈને તેમ જ અંધશ્રદ્ધાવ ફેલાવીને ધર્માંતરણ કરવું, સામાજિક દ્વેષ નિર્માણ કરવો વગેરે બાબતે ફરિયાદ મળ્યા બાદ આરોપી સામે પ્રચલિત કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. આગામી સમયમાં આ કાર્યવાહી વધુ પ્રભાવી રીતે કરવામાં આવશે, એમ ફડણવીસે કહ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે મહિલા અને બાળ વિકાસ ખાતા દ્વારા આંતરધર્મી વિવાહ પરિવાર સમન્વય સમિતિ સ્થાપન કરવામાં આવી છે.