મહારાષ્ટ્ર સરકાર સંકટમાં

ટૉપ ન્યૂઝ

ફડણવીસે એમવીએની ગેમ કરી નાખી * શિવસેનાના નેતા એકનાથ શિંદેનો બળવો

મુંબઈ: મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન અને શિવસેનાના સ્ટ્રોન્ગમૅન એકનાથ શિંદેએ શાસક મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારને મંગળવારે રાજકીય કટોકટીમાં મૂકી દીધી હતી.
એકનાથ શિંદેએ પક્ષમાં બળવો કર્યો હતો અને શિવસેનાના અમુક વિધાનસભ્યો સાથે સુરતની હૉટેલમાં પહોંચી ગયા હતા.
શિંદેએ કરેલા બળવાને કારણે અઢી વરસની એમવીએ સરકારની સ્થિરતા સામે સવાલ ઊભો થયો છે. મહારાષ્ટ્ર વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળ ઑપરેશન ‘કમલમ’ હાથ ધરાયું હતું. ફડણવીસે પહેલા રાજ્યસભાની અને પછી વિધાન પરિષદની ચૂંટણીમાં એમવીએના દાંત ખાટા કર્યા હતા. આખા સુરત-ઑપરેશન પાછળ ફડણવીસનો દોરીસંચાર છે. ફડણવીસ હવે ભાવિ રણનીતિ ઘડવા દિલ્હી પહોંચી ગયા છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા સાથે ચર્ચા કરશે.
સોમવારે રાત્રે રાજ્ય વિધાન પરિષદની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ આ નાટ્યાત્મક વળાંક આવ્યો હતો. વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેનાના વડપણ હેઠળના એમવીએમના છમાંથી એક ઉમેદવારનો પરાજય થયો હતો, જ્યારે ભાજપના પાંચે ઉમેદવારનો વિજય થયો હતો.
નાના તેમ જ અપક્ષ વિધાનસભ્યના ટેકા અને સંભવિત ક્રોસ વૉટિંગને કારણે ભાજપના પાંચે ઉમેદવાર વિજયી નીવડ્યા હતા. એમવીએના વડપણ હેઠળના ઘટક પક્ષોએ બળવાખોર નેતા એકનાથ શિંદે સાથે વાટાઘાટ કરવા મિલિન્દ નાર્વેકર અને રવીન્દ્ર ફાટકની નિમણૂક કરી હતી. જોકે, એકનાથ શિંદેએ હજુ સુધી તેનું વલણ સ્પષ્ટ નથી કર્યું. દરમિયાન, મહારાષ્ટ્ર ભાજપ એકમના વડા ચંદ્રકાંત પાટીલે વર્તમાન રાજકીય કટોકટી સાથે તેમને કોઈ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું.
વૈકલ્પિક સરકાર બનાવવાનો બળવાખોર નેતા એકનાથ શિંદે પાસેથી કોઈ પ્રસ્તાવ આવશે તો અમે એ મામલે જરૂર વિચાર કરીશું, એમ તેમણે કહ્યું હતું. એમવીએનો બીજા ક્રમાંકના સૌથી મોટા ઘટક પક્ષ એનસીપીના વડા શરદ પવારે દિલ્હીમાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારને પાડી નાખવાનો આ
ત્રીજી વાર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ શિવસેનાનો આંતરિક મામલો હોવાનું જણાવી પવારે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે આ રાજકીય કટોકટીનો ઉકેલ લાવવાના પ્રયાસ કરશે. વર્ષ ૨૦૧૯ના નવેમ્બરમાં એમવીએ સરકારની રચના કરવા શિવસેનાએ ભાજપ સાથેનું જોડાણ તોડ્યું હતું. ૨૮૮ સભ્યની મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના પંચાવન, એનસીપી (૫૩), કૉંગ્રેસ (૪૪), બહુજન વિકાસ આઘાડી
(૩), સમાજવાદી પક્ષ, એઆઈએમઆઈએમ અને પ્રહાર જનશક્તિ પાર્ટી પ્રત્યેક બે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, માર્ક્સવાદી પક્ષ, પીડબ્લ્યુપી, સ્વાભિમાની પક્ષરાષ્ટ્રીય સમાજ પાર્ટી, જનસૂર્યશક્તિ પાર્ટી અને ક્રાન્તિકારી શેતકરી પક્ષ પ્રત્યેક એકનું સંખ્યાબળ ધરાવે છે. વિપક્ષ ભાજપ ૧૦૬નું સંખ્યાબળ ધરાવે છે.
એકનાથ શિંદે એકાએક ગાયબ થઈ જતાં પક્ષના અમુક વિધાનસભ્યોએ ઉદ્ધવ ઠાકરેને પક્ષના અન્ય વિધાનસભ્યો સાથે તાકીદે બેઠક યોજવા પ્રેર્યા હતા.
અનેક વિધાનસભ્યો સાથે અમે સંપર્કમાં છીએ, તેમાંના અનેક તેમના મતદારક્ષેત્ર માટે રવાના થઈ ગયા છે, પરંતુ હજુ ત્યાં પહોંચ્યા નથી અને અમારી સાથેની વાતચીત બાદ તેઓ પાછા ફરી રહ્યા છે, એમ શિવસેનાના નેતાએ કહ્યું હતું.
કૉંગ્રેસના વિધાનસભ્યોને મુંબઈમાં જ રોકાવા જણાવી દેવામાં આવ્યું હતું.
રાજ્યમાં નિર્માણ પામેલી રાજકીય કટોકટીને પગલે કૉંગ્રેસે મહારાષ્ટ્રમાં એઆઈસીસીના નિરીક્ષક તરીકે વરિષ્ઠ નેતા કમલનાથની નિમણૂક કરી હતી.
બાળ ઠાકરેએ આપેલી શીખનો સત્તા માટે અમે ક્યારેય ત્યાગ નહીં કરીએ, એમ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ મંગળવારે કહ્યું હતું.
અમે બાળ ઠાકરેના કટ્ટર શિવસૈનિકો છીએ.
શિંદેએ કહ્યું હતું કે બાળ ઠાકરેએ જ અમને હિન્દુત્વના પાઠ ભણાવ્યા છે અને સત્તા માટે અમે બાળાસાહેબ અને આનંદ દીઘે સાહેબે આપેલી શીખનો ક્યારેય ત્યાગ નહીં કરીએ.
દરમિયાન, વિધાનસભાના નેતાપદેથી એકનાથ શિંદેને હટાવી દઈ તેમના સ્થાને અજય ચૌધરીની નિમણૂક કરવામાં આવી હોવાનું સંજય રાઉતે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.