* કર્મચારીઓની હડતાળનો ત્રીજો દિવસ
* ૬૦,૦૦૦ કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે મંગળવારથી સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી હડતાળનો ગુરુવારે ત્રીજો દિવસ હતો. આ હડતાળને કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં નાગરિકોને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં લેતાં મહારાષ્ટ્ર સરકારે કૉન્ટ્રેક્ટ પર કર્મચારીઓની ભરતી કરવા માટે એજન્સીની નિયુક્તિ કરી હતી, બીજી તરફ હડતાળિયા કર્મચારીઓમાં ભાગલા પડી ગયા હતા અને ૬૦,૦૦૦ કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો અને આ બાબતે મુખ્ય પ્રધાનને નિવેદન આપીને હડતાળ પાછી ખેંચવાનું એલાન કર્યું હતું.
રાજ્યમાં ચાલી રહેલી હડતાળ બાબતે ગુરુવારે વિધાનભવનની કચેરીમાં મુખ્ય પ્રધાને એક વિશેષ બેઠક બોલાવી હતી અને તેમાં હડતાળ બાબતેની માગણી પર સકારાત્મક વિચાર કરવા બાબતે એકમત થયો હતો. આ બાબતે મહારાષ્ટ્ર રાજ્ય નગર પરિષદ અને સંવર્ગ કર્મચારી સંગઠન સાથે બંધ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને તેમણે સરકારના વલણ પર સંતોષ વ્યક્ત કરતાં હડતાળ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.
બીજી તરફ સરકારે આંદોલનકારીઓના આડોડાઈપૂર્ણ વલણની ટીકા કરતાં કૉન્ટ્રેક્ટ ધોરણે કર્મચારીઓની ભરતી કરવા માટે એજન્સીની નિયુક્તિ કરવાનો નિર્ણય લેવાયો હતો. ૧૪ માર્ચની તારીખ સાથે બહાર પાડવામાં સરકારી આદેશમાં લખવામાં આવ્યું છે કે નવ ખાનગી એજન્સીઓની નિયુક્તિ ઉચ્ચ કુશળ, કુશળ, અર્ધ-કુશળ અને અકુશળ કર્મચારીઓની ભરતી માટે કરવામાં આવી છે. ગુરુવારે રાજ્ય સરકારનો આ આદેશ બધાના ધ્યાનમાં આવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે હડતાળિયા કર્મચારીઓની એક માગણી રાજ્યના વહીવટીતંત્રમાં રહેલા ૨,૩૭,૦૦૦ પદોને ભરવાની પણ છે.
બીજી તરફ સરકારી કર્મચારીઓના ૩૫ યુનિયનનું નેતૃત્વ કરી રહેલી સમિતિના ક્ધવીનર વિશ્ર્વાસ કાટકરે ગુરુવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર જૂની પેન્શન યોજના અમલમાં નહીં મૂકે ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે. સરકાર દ્વારા નિયુક્ત ત્રણ સભ્યની સમિતિનો અમે સ્વીકાર કરતા નથી.