અંબાજી મંદિર ખાતે વર્ષોથી આપવામા આવતા મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના ટ્રસ્ટના નિર્ણયનો ચોમેરથી વિરોધ થઈ રહ્યો છે અને શ્રદ્ધાળુઓ ફરી મોહનથાળનો જ પ્રસાદ આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે ચીક્કીનો જ રાગ આલાપ્યા કર્યો છે.
સરકારના પ્રવક્તા પ્રધાન ઋષીકેશ પટેલે જણાવ્યું હતું કે અંબાજી ખાતે શ્રધ્ધાળુઓની લાગણીને ધ્યાને રાખીને પૌષ્ટિક – સ્વાસ્થ્યપ્રદ ચિક્કીનો પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૩ થી શરૂ કરવામાં આવ્યો છે. કોરોના મહામારી દરમિયાન સૌ પ્રથમવાર ઓનલાઇન દર્શન ની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જેનો લાભ વિશ્વના ૨૭ જેટલા દેશોના ૧.૨૧ કરોડ શ્રદ્ધાળુઓએ લીધો હતો. વિશ્વભરમાંથી શ્રધ્ધાળુઓ અંબાજી ખાતે ‘માં અંબા’ના દર્શનાર્થે આવતા હોય છે જેઓ પોતાના વતનમાં ‘માં અંબા’નો પ્રસાદ લઈ જવા ઈચ્છતા હોય છે. આ પ્રસાદ સુકો અને વધુ સમય સુધી રહે તેવી લાગણી શ્રઘ્ધાળુઓ દ્વારા કરવામાં આવતી હોય છે. વર્ષમાં ચાર પ્રકારની નવરાત્રી, દર મહિનાની પૂર્ણિમા, આઠમ તેમજ વિવિધ વ્રતના દિવસે ફરાળી પ્રસાદ હોવો જોઈએ તેવી રજૂઆતો પણ દર્શનાર્થીઓ દ્વારા કરવામાં આવતી હતી. આવી અનેક લાગણીઓને ધ્યાને રાખીને અંબાજી ખાતે પ્રસાદમાં પૌષ્ટિક ચિક્કીના પ્રસાદનું વિતરણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસાદની ચિક્કી ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી છે તથા આશરે ૩ માસ જેટલા સમય સુધી ગુણવત્તાયુક્ત રહે છે. આ પ્રસાદની ચિક્કી બજારમાં મળતી સામાન્ય ચિક્કી જેવી નથી. આ પ્રસાદની ચિક્કી આરોગ્યવર્ધક સીંગદાણાના માવામાંથી બનાવવામાં આવે છે. ૩ મહિના જેટલી વધુ સેલ્ફલાઇફ ધરાવતા આ ચિક્કી ના પ્રસાદને નાગરિકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તા. ૧ થી ૧૦ માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧,૨૬,૮૬૫ ચિક્કીના પ્રસાદનું વિતરણ કરાયું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
જોકે અગાઉ પણ મંદિરમાં મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ મળતો હતો. મોહનથાળના પ્રસાદ બંધ કરવાના નિર્ણયને લીધે 300 જેટલી સ્થાનિક મહિલાની રોજગારી છીનવાઈ ગઈ છે. આ સાથે ભક્તોમાં ભારે રોષ અને નારાજગી છે. ખુદ ભાજપના સમથર્કોએ પણ ફરી મોહનથાળનો પ્રસાદ રાખવાની માગણી કરી હતી.