નવી દિલ્લી: દેશની ટોચની આઈટી કંપની ટીસીએસના એમડી અને સીઈઓ પદેથી રાજીનામુ આપનાર રાજેશ ગોપીનાથને ટાટા ગ્રૂપમાં સલાહકારની ભૂમિકામાં સામેલ કરવા એન. ચંદ્રશેકરને ચર્ચા-વિચારણા કરી હોવાનું જાણવા મળ્યું છે. ટાટા ગ્રૂપના સાધનોએે આ અંગે સમાચાર સંસ્થા પીટીઆઈને માહિતી આપી હતી. પરંતુ ટાટા સન્સ અને આઇટી કંપની ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ટાટા ગ્રૂપના સાધનોએે ઓળખ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે બંને પક્ષ વચ્ચે પ્રારંભિક ચર્ચા થઈ છે, કારણ કે જૂથને વિવિધ ટેક્નોલોજી ડોમેન્સમાં વૈવિધ્યીકરણ સાથે વિશ્ર્વસનીય અને અનુભવી અધિકારીની આવશ્યકતા છે.
ટાટા ગ્રૂપની એક ટેક્નોલોજી ફર્મના સાધને જણાવ્યું હતું કે, ટાટા ગ્રૂપના એડવાઈઝરી રોલનો નોટિસ પિરિયડ ૧૫ સપ્ટેમ્બરે પૂર્ણ થયા બાદ ટાટા ગ્રૂપના ચંદ્રશેકરનની ગોપીનાથન સાથે પ્રારંભિક ચર્ચા થઈ છે.
ગોપીનાથને તેમની પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે ટાટા ગ્રૂપ સાથે સલાહકારની ભૂમિકામાં સામેલ થવાની તેમની તાત્કાલિક કોઈ યોજના નથી. પરિષદમાં લગભગ ૨૫ વર્ષ સુધી ગોપીનાથન સાથે કામ કરનાર ચંદ્રશેકરને ટીસીએસના ગ્રોથમાં આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી.
ગોપીનાથનના કાર્યકાળ દરમિયાન, ટીસીએસએ વધારાની આવકમાં ૧૦ અબજ ડોલર અને માર્કેટ કેપિટલાઇઝેશનમાં ૭૦ અબજ ડોલરથી વધુનો વધારો નોંધાવ્યો હતો. તેમણે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ટીસીએસને રૂ. ૧૦,૮૪૬ કરોડના ચોખ્ખા નફાનો આંકડો પાર કરવામાં પણ મદદ કરી હતી.
તેમના નેતૃત્વ હેઠળ, ટીસીએસની બ્રાન્ડ વેલ્યુ પાછલા બે વર્ષમાં ૨૧૨ ટકા વધીને ૪૫.૫ અબજ ડોલર થઈ છે. ગયા અઠવાડિયે, ગોપીનાથને અચાનક ટીસીએસના એમડી અને સીઈઓ પદેથી રાજીનામું આપ્યું હતું.