ગૂગલ અને મેટાને અબજો ડૉલરનો દંડ

દેશ વિદેશ

લંડન/સૉલ: યુરોપિયન યુનિયનની સર્વોચ્ચ અદાલતે ગૂગલને તેની એન્ડ્રોઈડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમના સંબંધમાં ૪.૧૨૫ અબજ યુરો (અંદાજે ૪.૧૫૫ અબજ ડૉલર)ના દંડને બહાલી આપી હતી, જ્યારે દક્ષિણ કોરિયાના અંગત માહિતી અને સુરક્ષા પંચે ગૂગલને ૬૯.૨ અબજ વૉન (અંદાજે પાંચ કરોડ ડૉલર) અને મેટાને ૩૦.૮ અબજ વૉન (આશરે ૨.૨ કરોડ ડૉલર)નો દંડ કર્યો હતો. આ બંને કંપનીને કુલ ૪.૧૬૨૨ અબજ ડૉલરનો દંડ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૮માં યુરોપિયન યુનિયનના એક્ઝિક્યુટિવ કમિશને ગૂગલ પર સ્પર્ધાત્મકતાને ગૂંગળાવી નાખવાના કારણે ૩.૯૯ અબજ ડૉલરનો દંડ કર્યો હતો. ગૂગલે આ દંડ સામે ધ યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટીસમાં અપીલ કરી હતી જે બુધવારે ફગાવી દેવામાં આવી હતી અને દંડને બહાલી આપવામાં આવી હતી. ચુકાદાના પ્રતિભાવમાં ગૂગલે એક નિવેદનમાં કહ્યું કે, ” એન્ડ્રોઈડે તમામ માટે ઘણાં વિકલ્પો ઉપલબ્ધ કરાવ્યા છે અને યુરોપ સહિત સમગ્ર વિશ્ર્વમાં લાખો, ધંધાર્થીઓને મદદ કરી રહ્યા છે.
દરમ્યાન દક્ષિણ કોરિયાના અંગત માહિતી અને સુરક્ષા પંચે બુધવારે ગૂગલને પાંચ કરોડ ડૉલર અને મેટાને ૨.૨ કરોડ ડૉલરનો દંડ કર્યો હતો. ગ્રાહકોની પરવાનગી વગર તેમની ઓનલાઈન વર્તણૂક પર નજર રાખવા બદલ અને તેમના ડેટાનો જાહેરાત માટે ઉપયોગ કરવા બદલ પર્સનલ ઈર્ન્ફોમેશન એન્ડ પ્રોટેકશન કમિશને દંડ ફટકાર્યો હતો.
દંડના પ્રતિભાવમાં ગૂગલે એક નિવેદનમાં કહ્યું કે વપરાશકારો નિયંત્રણો રાખી શકે અને પારદર્શકતા જાળવી શકાય તે માટે કંપની સતત અપડેટસ આપતી રહે છે. ફેસબુક અને ઈન્સ્ટારગ્રામ ધરાવતા મેટાએ એક નિવેદનમાં કહ્યું કે, “કોર્ટ સમક્ષ જવા સહિતના તમામ વિકલ્પોનો અભ્યાસ કરવામાં આવશે. સ્થાનિક નિયમોને ધ્યાનમાં રાખીને અમે કાયદાનું સંપૂર્ણ પાલન કરી રહ્યા છે તેવો અમને વિશ્ર્વાસ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.