અલવિદા અમેરિકા… ૨૦૨૨

ઉત્સવ

આજે આટલું જ -શોભિત દેસાઈ

અમેરિકા… પાછું ખૂલેલું અમેરિકા… આ વખતે / વરસે અજબગજબના સાંસ્કૃતિક છાનગપતિયાના તોરમાં છે. અત્યાર સુધીમાં તો બોલવાવાળા અને ભજવવાળાઓએ અમેરિકાને પાછું ધમધમતું કરી નાંખ્યું છે. અને અમેરિકા પણ અચરજભર્યા સમભાવથી દરેકને સ્વીકારે છે, આ વર્ષે, દર વર્ષની જેમ જ, પણ સવા બે વરસનાpause બાદ.
આહાહાહા! શું એ જમાનો હતો ૧૯૯૪નો, જયારે અમેરિકાની ધરતી પર પહેલી વખત પગ મૂકયો હતો અને તરત નોંધ્યું હતું કે માટી તો અહીંનીય મટીયાળા રંગની જ છે, અને ઘાસ તો અહીંયા ય લીલું જ છે… આ ૨૮ વર્ષોમાં ફરક આવ્યો હોય તો માત્ર અમેરિકાની અંદરની હવાઇ યાત્રાઓના બંધારણનો…ઢાંચાનો, ૧૯૯૪માં અમારી પાસેDelta Airlinesનો બે મહિનાનોpass હતો. કિમ્મત ૯૩૦ ડૉલર્સ, સગવડ: આખા અમેરિકામાં ગમે ત્યાં ગમે ત્યારે જવાની…. આજેય એટલા જ થાય છે… ન્યુ યોર્કથી સેન ડિયાગો આવવા જવાના, ફકત એક show માટે… અમને યાદ આવે છે એ વખતના એ દિવસો કે જયારે નેશનલ સ્પોન્સર અમને વસ્તુઓ સમજીને શુક્ર-શનિ-રવિ દરમિયાન આખા અમેરિકામા ફંગોળતા અને સોમવારે આરામ કરીને મંગળ-બુધ-ગુરુ અમે અમારી જાતે ફંગોળાવા ન્યુ યોર્કના લગ્વાર્ડિયા એરપોર્ટ પર પહોંચી જતા, જે પહેલી Flight Deltaની જયાં જતી હોય એ પકડવા… અને સાંજે પાછા ન્યુ યોર્ક ભેગા થઇ જતા. બે મહિનાના VUSA (Visit USA) passમાં અમે ૧૧૫ Flightsપકડયા અને છોડયાનું યાદ આવે છે. અને કમાલની વાત તો એ છે કે અમને આવી રીતે હવામાં ઝુલાવ્યા બાદ પણFlights ઘણી ખરી કાં તો અર્ધી ભરેલી અથવા પોણી ખાલીની ખાલી! ૧૯૯૫માં કદાચ અમારામાંથી જ ‘પ્રેરણા’ લઇને આ સ્કીમ કાયમને માટે બંધ કરી દેવામાં આવી… એક આડ વાત.. જયારથી અલગ અલગ Airlines ને એકત્ર કરીને એમનીtickets વેચતી આ ઉસ્તાદ Air tickets selling companies ખૂલી છે ત્યારથી ૯૦% Flights full જ જાય છે અને બાકીની ૧૦ %માં ૯૦ % હાજરી તો હોય જ.
પણ back to America ૨૦૨૨… કવિતા અને સંસ્કૃતિનું બહુ જ પુંસક શ્રોતાગણ અમેરિકામાં છે એવું હું માનું છું. અને એ ય પાછી અણીશુદ્ધ કવિતાનું. હું એવુંય માનું છું કે યોગ્ય કવિની પસંદગી અને એ યોગ્ય કવિઓ દ્વારા એમની પોતાની અથવા એ રજૂ કરવાના હોય એ કવિતાઓની યોગ્ય પસંદગી થાય તો કવિતાના કાર્યક્રમથી વધુ સારો મનોરંજન અને સંસ્કારરંજનનો બીજો કોઇ કાર્યક્રમ જ નથી, માત્ર ગુજરાતીમાં નહીં, કોઇ પણ ભાષામાં. અમેરિકાના એક રાસ-ગરબાના કાર્યક્રમમાં સુરેશ જોશીનો ગદ્યખંડ રજૂ કરીને મેળવેલો આખા ઓડિયન્સની તાળીઓના ગડગડાટનો રવ હજુ કાનમાં ગુંજી રહ્યો છે. કમાલ મારી નથી, સજજ ઓડિયન્સની છે… એટલે ઉલ્લેખ કર્યો.
આ વાંચતી વખતે કોઇ પણ વ્હાલાને કોઇ પણ પ્રકારનો સંશય જાગે તો અમારા હૃદયનો ખાસ્સો એવો મોટો ભાગ પચાવીને બેઠેલા અમારા જીગરના ટુકડા ચંદ્રકાંત શાહ (ઉત્તમ ગીતકાર-ખેલૈયા-બ્લુ જીન્સ-રિયર વ્યુ મિરર)ને પૂછવું. પૂછવાની ઇચ્છા થાય તો અમને ફોન કરીને ચંદુનો નંબર મેળવવો. અને પછી… પહેલાં આટલું તો કરો જો સંશય જાગે તો….
અફીણી ઊંઘમાં વર્ષો સુધી ભાગીને જોયું મેં
પરંતુ આખરે આવી ગઝલ, જાગીને જોયું મેં
હતી બહુ ધૂંધળી પણ જયોત દેખાતી હતી છેડે
વિષમતાનું ગહન, ગાઢું, તિમિર તાગીને જોયું મેં
સમય નક્કી અને હિસ્સો નિયત છે ઇંતઝારીનો
વધુ, વહેલું મળે ક્યાં? કેટલું માગીને જોયું મેં!
નથી સહેજેય મારી હેસિયત, જાણી ગયો તરત જ
જરા પૂરતુંં તમારા જેવું જયાં લાગીને જોયું મેં
પરમ ઉપભોગથી ઉત્તમ બીજું કાંઇ નથી જગમાં,
તમારા સમ! ખરું કહું છું! ઘણું ત્યાગીને જોયું મેં!
આવતા રવિવારે અહીંથી આગળ…. પણ…
આજે આટલું જ….

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.