આચમન -કબીર સી. લાલાણી
જીવતરના સારા-માઠા અનેક અનુભવોમાંથી સ્વસ્થતાથી પસાર થનારા આપણા પ્રાચીન કવિ રાજવી ભર્તૃહરિએ માનવીને માટેનાં સેંકડો-હજારો આભૂષણોમાં શ્રેષ્ઠ આભૂષણ એના પોતાના મુખમાંથી સુજનતાથી સરતો શબ્દ છે એવું નિરૂપણ કરતાં લખ્યું છે:
વાણ્યેકા સમલંકરોતિ પુરુષમ્ યા સંસ્કૃતા ધાર્યત
ક્ષીયંતે ખલુ ભૂષણાતિ સતતમ્ વાગ્ભૂષણં ભૂષણમ્ ષ॥
સંસ્કૃતમાં લખાયેલા આ શુભાષિતનો અર્થ થાય છે કે, એક સંસ્કારી વાણી જ માણસને સાચી રીતે શણગારી દે છે. બાકીનાં સઘળાં આભૂષણો તો સમય સરતાં જરીપુરાણાં થઈ ઝાંખાં પડી જાય છે. વાણીરૂપી આભૂષણ એ જ તો પ્રત્યેક વ્યક્તિનું સાચું ઘરેણું છે.
લોકોક્તિ છે કે ધારદાર તલવારે પાડેલા સામાના શરીર પરના ઘા સમય જતા રુઝાઈ જાય છે, પણ કૂણી-કુમળી લચીલી જીભે કોઈના હૈયા પર કરેલા કારમા ઘા વર્ષોનાં વર્ષો લગી રુઝાતા નથી. કેટલીક વાર તો એવી રૂઝ આણવા આયખું આખું ઓછું પડે છે!
– વાણીની સંસ્કારિતા કેળવવાનો એક માત્ર રસ્તો મનની મોટપ પામવાનો છે. આખોય શબ્દકોશ ગોખી મારવાથી કોઈ માણસને મનની મોટાઈ મળતી નથી.
– પોતાના સિવાયના બીજા હરકોઈ માણસને પોતાના જેવા જ ગુણ-અવગુણના મિશ્રણસમા માની એમની ભૂલચૂકને માફ કરી દેવાની મનોવૃત્તિ પ્રયત્નપૂર્વક, સતત સભાન રહી આત્મસાત્ કરવા મથનાર માનવીને છેવટ જતાં મનની મોટાઈ સાંપડે છે.
– આવી રીતે મનની મોટાઈ પામી ચૂકેલો માણસ બીજાનાં મન-હૃદયને જફા (ઠેસ, દુ:ખ) પહોંડે એવી કઠુ વાણી ઉચ્ચારતા સ્વાભાવિક પણે જ ખચકાટ અનુભવે છે.
– અને આવો ખચકાટ સમય જતાં ટેવનું સ્વરૂપ ધારણ કરે છે અને એવી ટેવ જ પછી માણસની સંસ્કારિતાના સંગીન પાયા સામે સંયમ બનીને ઊભી રહે છે.
બોધ:
– ચાલાક-ચબરાક દેખાવા માટે વાણીનો આડેધડ અને બેફામ ઉપયોગ કરનારાના ભાગ્યમાં અંત જતાં એકલા પડી જવાનો અભિશાપ લખાયેલો હોય છે.
– સૌ કોઈ જ્યાં જાય ત્યાં એનો સત્કાર કરે એવો લહાવો એને કદી મળતો નથી.
સચ્ચાઈ:
– અને એટલે જ વાણીનો સમુચિત ઉપયોગ કરવાનું સૂચવવા માટે આપણા વડવાઓએ વાણીનો ઘણો મોટો મહિમા કર્યો છે.
મહાવીર વાણી:
– એક માન્ય તથ્ય છે કે જ્ઞાન અને આચરણનાં અંતરને પૂર્ણત: મિટાવી ન શકાય, પરંતુ ઓછું કરી શકાય છે.