નવી મુંબઈ હોલસેલ માર્કેટમાં કિલોગ્રામે આઠથી દસ રુપિયાનો ભાવ
મુંબઈઃ વાતાવરણમાં આવેલા પલટાની સાથે કમોસમી વરસાદનો પણ ખેડૂતો માર ખાઈ રહ્યા છે, ત્યારે તેની વચ્ચે સારા સમાચાર જાણવા મળ્યા છે, જેમાં કાંદાના ભાવમાં ઘટાડો થયો છે. નવી મુંબઈ એપીએમસી માર્કેટમાં કાંદાના પુષ્કળ પુરવઠાને માર્કેટમાં ભાવમાં ઘટાડો થયો છે. એક અહેવાલ પ્રમાણે કાંદા અને બટાટાની લગભગ 180થી વધુ ગાડી જોવા મળી હતી, એમ અહેવાલમાં જણાવ્યું હતું.
દેશના સૌથી મોટા કાંદા ઉત્પાદક પ્રદેશ (દેશમાં કુલ 40 ટકાથી વધુ પુરવઠો મહારાષ્ટ્રમાંથી પૂરો પાડવામાં આવે છે) મહારાષ્ટ્રમાં ખેડૂતોને કાંદાને લઈ સંકટનો સામનો કરવાની નોબત આવી રહી છે. વાશીમાં એપીએમસીમાં કાંદા અને બટાટાના પર્યાપ્ત પુરવઠાને કારણે ભાવમાં ધરખમ ઘટાડો થયો છે.
હોલસેલ માર્કેટમાં કાંદા અને બટાટાના કુલ 180 વાહન જોવા મળ્યા હતા. હોલસેલ માર્કેટમાં કાંદાના ભાવ કિલોગ્રામે બારથી 14 રુપિયા હતા, જે ઘટીને આઠથી દસ રુપિયાનો ભાવ છે. કાંદા-બટાટાના પર્યાપ્ત સ્ટોકને કારણે હોલસેલની સાથે છૂટક ભાવમાં પણ ઘટાડો થયો છે. માર્કેટના એક વેપારીએ કહ્યું હતું કે નવી આવકની સીઝન ચાલુ થઈ ગઈ છે, જેમાં આ વર્ષે નોંધપાત્ર પાક થયો છે. બટાટાનો પણ નવો સ્ટોક માર્કેટમાં આવ્યો છે, જેથી તેના ભાવમાં ઘટાડો થયો છે.
હાલના તબક્કે મોટા કાંદાનો ભાવ પણ કિલોગ્રામ નવથી અગિયાર રુપિયાની આસપાસ છે, જ્યારે નાના કાંદાનો ભાવ પણ કિલોગ્રામે આઠથી દસ રુપિયા રહ્યો છે.