નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સ્મોલ સેવિંગ સ્કીમના નાના રોકાણકારોને સૌથી મોટી ભેટ આપી છે. સરકારે એપ્રિલ-જૂન 2023ના ત્રણ મહિના માટે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં 70 બેસિસ પોઈન્ટ (બીપીએસ)નો વધારો કર્યો છે. સિનિયર સિટીઝન સ્કીમ, મંથલી ઈન્કમ સ્કીમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે યોજનાના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે, એમ નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું હતું.
છેલ્લા નવ મહિનામાં ત્રીજી વખત કેન્દ્ર સરકારે નાની બચત યોજનાના વ્યાજદરમાં વધારો કર્યો છે. હાલમાં નાની બચત યોજનાના વ્યાજદર 4.0 ટકાથી 8.2 ટકાની વચ્ચે છે. જોકે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) અને પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે ક્રમશઃ 7.1 ટકા અને ચાર ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા છે, એમ અહેવાલમાં જણાવ્યું હતું. પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં ડિપોઝિટમાં જાહેર ક્ષેત્રની બેંકોની તુલનામાં વધારે વ્યાજ મળે છે.
પોસ્ટ સેવિંગ એકાઉન્ટ જ્યાં ચાર ટકાએ વ્યાજ આપવામાં આવે છે, જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સેવિંગ એકાઉન્ટમાં 2.70 ટકાના દરે વ્યાજ આપે છે. એની સામે ખાનગી બેંકમાં વર્ષે આઈસીઆઈસીઆઈ 3-3.5 ટકા અને એચડીએફસી બેંક 3-3.50 ટકાના દરે વ્યાજ આપે છે.
બીજી બાજુ સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. આ યોજનાના વ્યાજદર એપ્રિલથી જૂનના ત્રણ મહિના માટે આઠ ટકા કર્યા છે. પહેલા એ 7.60 ટકા હતા, જેથી તેના વ્યાજદરમાં 0.40 ટકાનો વધારો કર્યો છે. વ્યાજદરમાં સૌથી વધારે વધારો નેશનલ સેવિંગ સર્ટિફિકેટના વ્યાજમાં કર્યો છે. આ સ્કીમના વ્યાજદર 7.0 ટકાથી વધારીને 7.7 ટકા કર્યા છે, જેમાં .70 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.