ટૂંક સમયમાં મળી શકે છે નાણાં, સરકારે ઉઠાવ્યું આ પગલું
સહારા ગ્રુપના રોકાણકારો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં જ તેઓને તેમના ફસાયેલા પૈસા પાછા મેળી શકે છે. સહારા-સેબી ફંડમાં 24,000 કરોડ રૂપિયાની થાપણો છે. સરકારે સુપ્રીમ કોર્ટને આમાંથી 5,000 કરોડ રૂપિયા ફાળવવા વિનંતી કરી છે જેથી કરીને 1.1 કરોડ રોકાણકારોના નાણાં ચૂકવી શકાય. આ લોકોની મહેનતની કમાણી સહારા ગ્રુપની ચાર સહકારી મંડળીઓમાં લાંબા સમયથી પડી છે. તેમના પૈસા મેળવવા માટે તેમને દર-દર ઠોકર ખાવી પડે છે. 2012માં સુપ્રીમ કોર્ટે સહારા હાઉસિંગ અને સહારા રિયલ એસ્ટેટને 25,781 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. આ કંપનીઓએ માર્ચ 2008 અને ઓક્ટોબર 2009માં ત્રણ કરોડ રોકાણકારો પાસેથી આ રકમ એકત્ર કરી હતી. આ બંને કંપનીઓએ અત્યાર સુધીમાં 15,569 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે જેના પર 9, 410 કરોડનું વ્યાજ થયું છે. આ રીતે સહારા-સેબી ફંડમાં કુલ 24,979 કરોડ રૂપિયા જમા છે. રિફંડ પછી પણ આ ખાતામાં 23,937 કરોડ રૂપિયા જમા છે.
સહકાર મંત્રાલય તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કોર્ટને જણાવ્યું હતું કે ચાર મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ, સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, સહારા યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી, હમારા ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટીએ નવ કરોડથી વધુ રોકાણકારો પાસેથી 86,673 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા અને તેમાંથી રૂ.62,643 કરોડનું રોકાણ એમ્બી વેલીમાં કરવામાં આવ્યું હતું. મંત્રાલયે કહ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટના ચોક્કસ આદેશ છતાં સહારા ગ્રુપ કોઓપરેટિવ સોસાયટીઓએ આ મામલે સહકાર આપ્યો નથી અને રોકાણકારોના પૈસા રિફંડ અને ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયાને ફગાવી દીધી છે. સેબીએ 24 નવેમ્બર, 2010ના રોજ સહારા ગ્રૂપને કોઈપણ સ્વરૂપે જનતા પાસેથી નાણાં એકત્ર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આખરે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટે સહારા ગ્રુપને વાર્ષિક 15 ટકાના વ્યાજ સાથે રોકાણકારોના પૈસા પરત કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે સહારા જૂથની કંપનીઓ રોકાણકારોને ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી ત્યારે કોર્ટે રોયને જેલમાં મોકલી આપ્યો હતો.