ગુજરાતના વિધાર્થીઓ માટે ખુશીના સમાચાર: આ જિલ્લાઓમાં બે નવી મેડિકલ કોલેજોને મંજુરી અપાઈ

આપણું ગુજરાત

નેશનલ મેડિકલ કાઉન્સિલે(NMC) ગુજરાત રાજ્યમાં બે નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપી છે. એક પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે અને બીજી પોરબંદરમાં એમ બે નવી મેડીકલ કોલેજ સ્થપાશે. બંને કોલેજોમાં MBBSના અભ્યાસ માટે 100-100 બેઠકો હશે.
હાલ રાજ્યમાં ખાનગી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સરકારી કોલેજો મળીને કુલ 30 મેડિકલ કોલેજો કાર્યરત છે જેમાં કુલ 5,500 MBBSની સીટ ઉપલબ્ધ છે. આ બે નવી કોલેજો સાથે રાજ્યમાં મેડિકલ સીટોની સંખ્યા વધીને 5,700 થશે.
ગુજરાત સરકારે રાજ્યમાં કુલ પાંચ નવી મેડિકલ કોલેજોની સ્થાપના માટે અરજી કરી હતી. જેમાંથી બેને NMCની મંજૂરી આપવામાં આવી છે. અન્ય ત્રણ મેડિકલ કોલેજો રાજપીપળા, નવસારી અને મોરબી ખાતે સ્થાપવાની રાજ્ય સરકારે અરજી NMCને મોકલી છે.
મંજુર કરાયેલી બે નવી કોલેજો રૂ. 660 કરોડ ખર્ચે નિર્માણ પામશે. દરેક કોલેજ માટે કુલ, રૂ. 330 કરોડ ફાળવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર ખર્ચના 60% ભંડોળ આપશે જ્યારે બાકીના 40% ભંડોળ રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે.
29 જુલાઈના રોજ NMC ટીમોએ આ બે કોલેજો માટે નિરીક્ષણ કર્યું હતું અને એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં મંજૂરી આપવામાં આવી હતી. ગઈકાલે મંગળવારે NMC ટીમોએ રાજપીપળા, નવસારી અને મોરબીમાં અન્ય ત્રણ સૂચિત કોલેજો માટે પણ નિરીક્ષણ કર્યું હતું.
નવી કોલેજોમાં લેબોરેટરી, લાયબ્રેરી, હોસ્ટેલ, ટ્યુટર અને પેરામેડિકલ સ્ટાફ જેવી સુવિધાઓ હશે. તાજેતરમાં, ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) એ વિવિધ મેડિકલ કોલેજોમાં શિક્ષક તરીકે કામ કરતા 258 ડોક્ટરોને આ સૂચિત મેડિકલ કોલેજોમાં ટ્રાન્સફર ઓર્ડર જારી કર્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.