વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ-પ્રતીક્ષા થાનકી

રોડોસના ઐતિહાસિક શહેર લિન્ડોસમાં એક્રોપોલિસની ટેકરી ચઢવામાં શહેરની ગલીઓમાંથી પસાર થઈને ઉપર જવામાં મજા છે એટલું જ જોખમ પણ છે. જોખમ એ છે કે ગમે ત્યારે સુવિનિયરની એવી દુકાનો પાસે ઊભા રહી જવાતું હતું કે જ્યાંથી ગ્રીસ સંબંધિત કે હોમ ડેકોરની ચીજો ખરીદ્યા વિના આગળ વધવાનું મુશ્કેલ લાગતું હતું અને એ બધું સાથે લઈને ટેકરી ચઢવાનું પણ વગર જિમ ગયે વેઇટ ટ્રેનિંગ કર્યા જેવું બની જાત. એક દુકાને સિરામિકની સ્થાનિક મોટિફવાળી ઓલિવ ઓઇલની બોટલ્સ, પ્લેટ્સ વગ્ોરેમાં રસ પડ્યો અને દુકાનદારને પ્ાૂછ્યું કે અમે નીચે આવીએ ત્યાં સુધી અહીં રાખશો, તો તેણે ના પાડી દીધી. ફરી આ રસ્તે પાછાં ન આવીએ એ પણ શક્યતા હતી. હવે લિન્ડોસને સુવિનિયર સ્ોલ્સમાં એટલો રસ ન હોય તો અમે વધુ વિચાર કર્યા વિના આગળ ધપાવ્યું. દુકાનોવાળી ગલીઓથી ઉપર જવામાં વ્યૂ અચાનક જ વધુ મજેદાર બની ગયો. આખું શહેર એક પેનોરમા દૃશ્યમાં પલટાવા લાગ્ોલું. સાથે માથા પર તડકો પણ આવી ગયો. હવે સનસ્ક્રીનની ખરી કસોટી થઈ રહી હતી. આજ સુધી અમે ગ્રીસથી સન બર્ન વિના પાછાં નથી ગયાં.
અહીં હજી એ અઠવાડિયાથી જ ટૂરિસ્ટ સીઝન શરૂ થઈ હતી, એટલે મોટા ભાગના ટૂરિસ્ટ કાં તો સ્થાનિક ગ્રીક અથવા અમારા જેવા જર્મનીથી આવેલા રસુડાઓ હતા. ઘણા તો અમારી સાથે ફ્લાઇટ પર આવેલા કે અમારા રિસોર્ટ પર જ રોકાયેલા લોકો પણ હતા. એપ્રિલમાં કોરોના રૂલ્સ હળવા તો થઈ ચૂક્યા હતા, પણ હવે જૂનમાં જેમ બધા યુરોપમાં ફરવા નીકળી પડ્યા છે, એટલી ભીડ હજી નહોતી થઈ. તો પણ દુનિયાના દરેક ખૂણે વસેલા ગુજરાતીઓ તો ભટકાઈ જ જતા હતા. અમારા ગ્રુપમાં અમે બંને જ ગુજ્જુ હતાં અને અમારી પાછળ અમેરિકાથી આવેલું એક ગુજરાતી જોઇન્ટ ફેમિલી કપરી ગરમીમાં ઘરડાં દાદા-દાદીને લઈને લિન્ડોસની એક્રોપોલિસની ટેકરી ચઢવા નીકળ્યું હતું. જોકે એ લોકો પોતાના ગ્રુપમાં એટલા વ્યસ્ત હતા કે તેમને અમારી સાથે વાત કરવામાં ખાસ રસ ન હતો. અમે અમારી એક્રોપોલિસની કૂચ ચાલુ રાખી.
આ ટેકરી પર હંમેશાંથી એક મંદિર તો હતું જ, પણ તેને ભવ્ય એક્રોપોલિસમાં ફેરવવાનું કામ ઈ. સ. પૂર્વે દસમી સદીમાં ડોરિયન યુગના શાસકોએ કર્યું હતું. ડોરિયન યુગમાં આ રિજનમાં છ મોટાં શહેરો હતાં અને લિન્ડોસ તેમાંનું એક હતું. તે પછી હેલનિક યુગમાં આવતાં રોડોસ શહેર સ્થાપાયું અને ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં લિન્ડોસનું મહત્ત્વ ઘટવા લાગ્ોલું. દરેક યુગમાં એક્રોપોલિસની ટેકરીનો કોઈ અલગ હિસ્સો હાઇલાઇટમાં હતો. આ બધી સાલ, યુગની વાતો એક રીતે તો તે ખરી હોય કે કોઈ ફેન્ટસી બુકનો હિસ્સો હોય તેમ ભલે લાગતું હોય, આજે પણ આ શહેર અત્યંત પૌરોણિક છે તે સ્પષ્ટ નજરે પડે છે. ટેકરીનો અંત નજીક આવતાં, ટિકિટ બૂથ વટાવીને અમે ફાઇનલ સીડી પર પહોંચ્યાં. અહીં એક વોર શિપનું શિલ્પ ટેકરીના ભવ્ય ખડકોમાં કંડારવામાં આવ્યું છે. એક સમયે તેના ખ્યાતનામ કેપ્ટન અને નાઇટનું શિલ્પ પણ ત્યાં હતું, પણ સહેજેય ત્રણ હજાર વર્ષ જૂના આ શિલ્પમાં આજે માત્ર શિપનો શેપ જ બાકી રહ્યો છે.
અંદર મંદિરના અવશેષોની સાથે કિલ્લાનાં એલિમેન્ટ્સ પણ છે જ. નાનકડું ચેપલ, આર્મી સ્ટેશન, તોપ રાખવાની જગ્યા, બલિ ચઢાવવાનું સ્થળ અને એક નાનકડું કબ્રસ્તાન, આ બધું તો હતું જ. આ ટેકરી પોતાની અંદર એક મધ્યયુગીન કિલ્લો પણ છુપાવીને બેઠી છે. પારંપરિક ગ્રીક સ્તંભો માથા પરના સૂરજ સાથે એવા ચમકતા હતા કે સન બર્ન થાય તો થાય, અહીં જ કલાકો સુધી ઊભા રહીને ગ્રીક ઇતિહાસના આ આવશેષો અને માનવજાતની સર્જનશક્તિન્ો ‘સ્લો બર્ન’ની માફક માણવાનું મન થતું હતું. વળી એક્રોપોલિસની અંદર તો મજા હતી જ, ત્યાંથી નીચેના, દૂરના વ્યુ તો તેનાથી પણ વધુ આકર્ષક હતા. આસપાસના વ્યુ માટે આ એક્રોપોલિસ કોઈ સજાવેલા વ્યુઇંગ સ્ટેજ કે પોડિયમ જેવું લાગતું હતું.
લિન્ડોસમાં નીચે બેયનો વ્યુ, જરા આગળ દરિયાનો રંગ, બીજી તરફ સફેદ ગલીઓને સંકેલીને બ્ોઠેલા શહેરનો વ્યુ, આ એક્રોપોલિસ એથેન્સની સાથે તુલના થઈ શકે તેવી તો નથી, પણ ત્ોનો ચાર્મ કંઇક અલગ જ છે. ઓલમોસ્ટ ૪૦૦ ફૂટ ઊંચાઈ પર આજે પણ આર્કિયોલોજિક કામ તો ચાલુ જ છે. અહીં ગ્રીક્સ, ઓટોમન્સ
અને વચ્ચે આવેલા શાસકોએ કંઈનું કંઈ તો બંધાવ્યું જ છે. વધુ સમય વિતાવીને તે સ્ટાઇલ વચ્ચેનો તફાવત સમજવાની પણ
ઇચ્છા થતી હતી.
જોકે મોટા ગ્રુપમાં ટ્રાવેલ કરવાની મર્યાદા એ પણ છે કે સાથે રહેવામાં બધું કરવાનું શક્ય નથી બનતું. બધાને અહીં સાઇટના બધા હિસ્સા જોઈને બીચ પર જવું હતું. અડધા તો પહેલેથી બીચ પર પહોંચી જ ચૂક્યા હતા અને પોતે લાઉન્જિંગ ચેરમાં જલસા કરી રહ્યા હોય ત્ોવા ફોટા વોટ્સએપ પર મોકલીને અમને કોણ વધુ જલસા કરી રહ્યું છે તેની કોમ્પિટિશનમાં ઉતારી રહ્યા હતા. જોકે અમે પણ ક્લિફટોપ વ્યુઝ પાસે ભીના થયા વિના મજા જ કરી રહ્યાં હતાં. અહીં ઐતિહાસિક થિયેટર પણ છે અને તે આજે પણ ઉપયોગમાં લેવાય જ છે.
અહીં બધાને એટલી મજા આવી કે ધાર્યા કરતાં વધુ સમય રોકાઈ ગયાં. હજી સાંજ પડી ન હતી અને અમે દિવસનો સૌથી ગરમ હિસ્સો ખુલ્લા આકાશ નીચે વિતાવેલો. છતાંય કોઈને અહીંથી નીચે ઊતરવાનું મન નહોતું થતું. અમે તો હજી જમ્યાં પણ ન હતાં. રિસોર્ટથી જે બ્રેકફાસ્ટ દબાવેલો તેના પર જ ગાડી ચાલી રહી હતી. નીચે આવીને ગ્રીક ગીરોસ અને ઓરેંજ જ્યુસની મજા લેવાની હતી. પેલું બીચ પર ગોઠવાયેલું ગ્રુપ તો વચ્ચે ઊંઘ પણ કરી ચૂક્યું હતું. હવે બીચની મજા લેવાનો અમારો વારો હતો અને સ્વાભાવિક છે બીચ પરથી પણ એક્રોપોલિસનો ભપકો તો દેખાતો જ હતો.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.