૧૬મી ડિસેમ્બર, ૧૯૭૧ ભારતે પાકિસ્તાન પર ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો અને બાંગ્લાદેશનો જન્મ થયો. આ યુદ્ધને પચાસ વર્ષ વીતી ગયા છે ત્યારે એ યુદ્ધની રોમાંચક વિગતો રજૂ કરે છે મનન ભટ્ટ
ઈન્દિરા ગાંધી -મુજીબ-ઉર-રહેમાન -યાહ્ય ખાન
એ ૧૬મી ડિસેમ્બર, ૧૯૭૧ની ઢળતી બપોર હતી પણ ભારત માટે એ ઝળહળતો મધ્યાહ્ન હતો. એ દિવસે બપોરે ૪.૩૫ કલાકે પાકિસ્તાનની સેનાના પૂર્વીય કમાનના ૯૩ હજાર સૈનિકોએ ભારતીય સેના સમક્ષ ઘૂંટણ ટેકવ્યા હતા એટલે કે આત્મસમર્પણ કર્યું હતું. એ દિવસે પાકિસ્તાનનો કારમો પરાજય થયો હતો અને બાંગ્લાદેશનો જન્મ થયો. બીજા વિશ્ર્વયુદ્ધ પછી ઈતિહાસમાં થયેલી આ સૌથી મોટી સૈન્ય શરણાગતિ ગણવામાં આવે છે.
માત્ર ૧૩ જ દિવસમાં ભારતીય સેનાની વીરતા સામે પાકિસ્તાની સેનાએ પછડાટ ખાધી હતી અને તેઓ ભૂંડી રીતે હાર્યા હતા.
ભારતીય સૈન્યના આ સુવર્ણ દિવસની આજે ૧૬મી ડિસેમ્બરે સુવર્ણ જયંતિ છે. આ દિવસ ૧૯૭૧ની સાલમાં પાકિસ્તાન પર ભારતે મેળવેલા શાનદાર વિજયની યાદ અપાવે છે એટલું જ નહીં, પરંતુ એ દિવસે પાકિસ્તાનના બે ટુકડા થયા હતા અને પૂર્વ પાકિસ્તાનમાંથી એક નવા રાષ્ટ્ર બાંગ્લાદેશનો જન્મ થયો હતો એની દાસ્તાનનું બયાન કરે છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા એ ભીષણ યુદ્ધની સ્મૃતિમાં ૧૯૭૧થી ભારત દર વર્ષે ૧૬ ડિસેમ્બરને ‘વિજય દિવસ’ તરીકે અને બાંગ્લાદેશ ‘બિજોય દિવસ’ તરીકે ઉજવે છે.
વાત વર્ષ ૧૯૭૧ની છે. પાકિસ્તાનના ક્રૂર લશ્કરી સરમુખત્યાર જનરલ યાહ્યા ખાનની ગણતરીની વિરુદ્ધમાં ત્યાંની સામાન્ય ચૂંટણીમાં શેખ મુજીબુર રહેમાનની આવામી લીગને બહુમતી મળી. પંજાબી મુસ્લિમ તરીકે પોતાને બંગાળીઓ કરતાં ચડિયાતાં માનતા પશ્ર્ચિમ પાકિસ્તાનના શાસકોને, ખાસ કરીને જનરલ યાહ્યા ખાન કોઈપણ સંજોગોમાં સત્તા મુજીબુરને સોંપે તેમ ન હતા. પાકિસ્તાની સેનાએ ૨૫ ડિસેમ્બર ૧૯૭૧નાં રોજ મુજીબુરને તેમનાં ઘરમાં નજરકેદ કરી લીધા.
૨૬ માર્ચ ૧૯૭૧ના રોજ, મુજીબુર બાંગ્લાદેશની આઝાદીની ઘોષણા કરી જ્યારે પાકિસ્તાની સેનાએ ઓપરેશન સર્ચલાઇટ સાથે બંગાળીઓના વિદ્રોહનો બદલો વાળવાનું શરૂ કર્યું. ચૂંટાયેલા વડા પ્રધાન મુજીબુરની ધરપકડ કરવામાં આવી અને તેમને પશ્ર્ચિમ પાકિસ્તાનમાં એકાંત કેદમાં લઈ જવામાં આવ્યા.
યાહ્યા ખાને પૂર્વ પાકિસ્તાનમાં માર્શલ-લો (લશ્કરી કાયદો) લાગુ કરી દીધો અને તેમની સેનાને પૂર્વ પાકિસ્તાનમાં બંગાળીઓ પર નરસંહાર કરવાનો આદેશ આપ્યો. પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)ના બંગાળીઓ પર ઓપરેશન સર્ચલાઈટ અને ઓપરેશન બરીસલ અંતર્ગત પાકિસ્તાન સેનાએ કાળો કેર વર્તાવ્યો, જેમાં લાખો નિર્દોષોની હત્યાઓ થઇ, હજારો લોકો બેઘર બન્યા. પાકિસ્તાની સેનાની બર્બર કાર્યવાહી અને અત્યાચારોથી બચવા દસ લાખ બંગાળીઓએ ભારતમાં શરણું લીધું. આ વિસ્થાપિતોમાં નેવું ટકા હિંદુઓ હતા. પૂર્વ પાકિસ્તાનીઓને અત્યાચારથી બચાવવા માટે, ભારત પાસે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ બચ્યો જ નહીં.
ભારત-પાક યુદ્ધ દરમિયાન એક સમય એવો પણ આવ્યો જ્યારે અમેરિકા પાકિસ્તાનની મદદ માટે આગળ આવ્યું. અમેરિકાએ પાકિસ્તાનની મદદ માટે જાપાનની નજીક તૈનાત તેના નૌકાદળનો સાતમો કાફલો બંગાળની ખાડીમાં મોકલ્યો. વૈશ્ર્વિક ભૌગોલિક રાજકીય સંતુલન જાળવવા ભારતે ચતુરાઈથી શીત યુદ્ધ દરમિયાન તત્કાલીન સોવિયેત સંઘ સાથે મિત્રતા અને સહકારની સંધિ કરી હતી. આ સંધિના પરિણામે ૧૯૭૧ના યુદ્ધમાં ભારતને સોવિયત સંઘનું સમર્થન મળ્યું.
અમેરિકી નૌકાદળને બંગાળની ખાડી તરફ આગળ વધતું જોઈને રશિયાએ ભારતની મદદ માટે પ્રશાંત મહાસાગરથી હિંદ મહાસાગર સુધી તેની પરમાણુ ક્ષમતાથી સજજ સબમરીન અને વિનાશક યુદ્ધ જહાજો મોકલ્યાં. અમેરિકી નૌસેનાનો સાતમો કાફલો પાકિસ્તાનને મદદ કરવા બંગાળની ખાડી સુધી પહોંચી શકે તે પહેલા જ ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ પાકિસ્તાની સેનાએ ભારત સમક્ષ શરણાગતિ સ્વીકારી. જો કે, રશિયન નૌસેનાનાં જહાજો અમેરિકી સાતમાં બેડાનો પીછો કરી તેને હિન્દ મહાસાગરથી પાછું વાળીને જ જંપ્યા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધ દરમિયાન અમેરિકા સહિત અન્ય ઘણા દેશો પાકિસ્તાનના સમર્થનમાં ઊભા રહ્યા. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુદ્ધવિરામ પ્રસ્તાવ લાવીને પાકિસ્તાનને મદદ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, રશિયાએ આ પ્રસ્તાવને વીટો કરીને ભારતનો સાથ આપ્યો. આ કારણોસર પણ રશિયાને ભારતનું સદાબહાર મિત્ર માનવામાં આવે છે.
——–
૧૯૭૧નું યુદ્ધ અને સૌરાષ્ટ્રનો સાગર કિનારો
૩ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ, પાકિસ્તાની વાયુસેનાએ ભારતના પશ્ર્ચિમી પ્રદેશો પર હવાઈ હુમલાઓ કર્યા. આ પછી ભારતે ૪ ડિસેમ્બરની સવાર સુધીમાં યુદ્ધની ઘોષણા કરી. ભારતીય નૌસેનાએ નિર્ણય લીધો કે પશ્ર્ચિમ પાકિસ્તાનનાં મુખ્ય વ્યાપારી કેન્દ્ર અને પાક નૌસેનાના ગઢ કરાચી પર વીજળીક હુમલાઓ કરી તેમની નૌસેના, દરિયાઈ વેપાર અને અર્થવ્યવસ્થા પર સીધો વાર કરવો, જેથી પૂર્વ અને પશ્ર્ચિમ પાકિસ્તાન વચ્ચેનાં દરિયાઈ સંપર્ક નો અંત આવે.
ભારતીય નૌસેનાએ ૩૦ નવેમ્બર ૧૯૭૧નાં રોજ ‘કરાચી સ્ટ્રાઈક ફોર્સ’ એવું નામ આપી રશિયામાં બનેલી અને જહાજ વિરોધી મિસાઈલ વડે સજજ ‘કિલર’ ક્લાસની ત્રણ મિસાઈલ બોટ નીર્ઘટ, નીપત અને વીર તથા ‘પેટ્યા’ ક્લાસની બે સબમરીન વિરોધી મનવારો કિલ્તાન અને કટયાલને સૌરાષ્ટ્રના ઓખા બંદર માટે રવાના કરી. ઓખાથી કરાચીનું દરિયાઈ અંતર કેવળ બસ્સો કિલોમીટરનું થાય છે.
પાકિસ્તાનીઓ તેમનાં અત્યાધુનિક અમેરિકી સંચાર ઉપકરણો વડે ભારતીય સૈન્ય સંદેશા-વ્યવહાર પર સતત દેખરેખ રાખી રહ્યા હતા. કરાચી સ્ટ્રાઈક ગ્રુપની ત્રણેય રશિયન મિસાઈલ બોટ અને ત્રણ ‘પેટ્યા’ ક્લાસની મનવારોનાં નૌસૈનિકો રશિયન ભાષામાં માહેર હતાં અને દુશ્મનને છટકાવવા તેમણે સમગ્ર ઓપરેશન દરમિયાન રેડિયો સંચાર રશિયન ભાષામાં કર્યું. આ તરફ, પાકિસ્તાની ગુપ્તચર તંત્ર એવું માનતું રહ્યું કે અરબ સાગરમાં અમેરિકી નૌસેનાની વિરુદ્ધ રશિયન નૌસેના તહેનાત થઇ છે અને તેઓ જ રેડિયોમાં રશિયન ભાષામાં વાતચીત કરી રહ્યા છે.
૪ ડિસેમ્બર ૧૯૭૧નાં રોજ ભારતીય નૌસેનાએ એક ગજબનું સાહસિક પગલું ભર્યું અને પાકિસ્તાની દરિયાઈ સીમામાં ઘૂસીને તેમનાં પર ‘ઓપરેશન ટ્રાઈડેંટ’ નામક સૈન્ય હુમલો કર્યો જેમાં બે પાકિસ્તાની યુદ્ધ જહાજોને જળસમાધી આપી અને એક નષ્ટ કરી નાખ્યું. પાકિસ્તાનને શ-સરંજામ પહોંચાડી રહેલાં એક વ્યાપારી જહાજને પણ એ હુમલામાં આપણે જળસમાધિ આપી. આપણી બે મિસાઈલોએ કરાચીના સૌથી મોટાં પેટ્રોલિયમ ભંડાર – કેમારી ઓઈલ ફિલ્ડને આગને હવાલે કર્યો.
ભારતીય નૌસેનાનાં વીજળીક આક્રમણે પાકિસ્તાનને ઊંઘતું ઝડપ્યું. તેમનું સમગ્ર સુરક્ષા તંત્ર જળમાર્ગે થયેલાં હુમલાને ભારતીય વાયુસેનાનો હવાઈ હુમલો ગણી હવામાં વિમાન વિરોધી હથિયારો ચલાવી રહ્યું હતું. દુશ્મનને હુમલાના આઘાતની કળ વળે તે પહેલાં, નૌસેનાનું ‘કરાચી સ્ટ્રાઈક ગ્રુપ’ સૌરાષ્ટ્રનાં માંગરોળ બંદરેથી ડીઝલ ભરી મુંબઈ તરફ પાછું ફરી ચૂક્યું હતું.
૮ ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેનાએ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ફરી ‘ઓપરેશન પાયથોન’ એવાં ગુપ્ત નામે બીજી સૈન્ય કાર્યવાહી કરી જેમાં પાકિસ્તાની અસ્કયામતોની વધુ બરબાદી થઇ. ઓપરેશન પાયથોન અંતર્ગત નૌસેનાનાં જહાજો વિનાશ, ત્રિશુલ અને તલવારે પાકિસ્તાની જહાજો ડેક્કા અને હર્માટ્ટનને ભારે નુકસાન પહોંચાડ્યું, ગલ્ફ સ્ટારને ડુબાડી દીધું અને કેમારી ઓઈલ ફિલ્ડને ફરી આગને હવાલે કર્યું. કેમારી ઓઈલ ફિલ્ડની આગને દક્ષિણ એશિયાનાં સૌથી વિકરાળ અગ્નિકાંડ તરીકે ઓળખાવાય છે. કહેવાય છે કે અમેરિકી ઉપગ્રહોને અવકાશમાંથી પણ કેમારીની અગનજ્વાળાઓ દેખાઈ હતી.
એક પછી એક બે મરણતોલ ફટકા બાદ ગભરાયેલી પાકિસ્તાની નૌસેનાએ તેનાં બચેલાં જહાજોને બંદરમાં પાછા બોલાવી અને તેમાંથી દારૂગોળો ઉતારી લીધો. આમ સૌરાષ્ટ્રનાં વ્યૂહાત્મક સમુદ્ર કિનારેથી થયેલાં ભારતીય નૌસેનાનાં આક્રમણોએ પાંચ દિવસની અંદર-અંદર પશ્ર્ચિમ મોરચે યુદ્ધ વિજય મેળવ્યો.
૦૯ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, દીવની નજીકનાં દરિયામાં ‘યુદ્ધ ગશ્ત’ પર રહેલ ભારતીય નૌસેનાના જહાજ ખુકરી પર પાકિસ્તાની સબમરીને ટોરપીડો વડે વાર કર્યો. આ હુમલામાં ખુકરીમાં સવાર આપણા ૧૯૪ નૌસૈનિકોએ જળસમાધી લીધી એટલે કે જીવ ગુમાવ્યો.
——–
પૂર્વ પાકિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી
૧૯૭૧ યુદ્ધમાં ભારતનો સંપૂર્ણ વિજય અને પાકિસ્તાન સૈન્યની શરણાગતિ ભારતીય સૈન્યની ઇસ્ટર્ન કમાંડના જનરલ ઑફિસર્સની બાહોશીભરી રણનીતિનું પરિણામ હતું. સૈન્ય મુખ્યાલય દ્વારા સૂચિત યુદ્ધનો ઓપરેશનલ પ્લાન ભારતીય સેના દ્વારા બાંગ્લાદેશમાં વધુમાં વધુ પ્રદેશો પર કબજો કરવાનો હતો. રાજકીય નેતૃત્વ (વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી)નો ઉદ્દેશ પૂર્વ પાકિસ્તાનની મુક્તિ અને બાંગ્લાદેશની રચના કરવાનો હતો. જો કે, તે સમયે આ લક્ષ્યની પૂર્ણપણે પ્રાપ્તિ અંગેનો આત્મવિશ્ર્વાસ રાજકીય કે લશ્કરી રીતે આપણને કેટલો હતો તે અત્યારે કહેવું મુશ્કેલ છે.
પૂર્વ પાકિસ્તાનમાં સત્તાનાં મુખ્ય બે કેન્દ્રો હતાં – પાકિસ્તાની સેના અને તેની નબળાઈ પૂર્વ પાકિસ્તાન (હાલ-બાંગ્લાદેશ)નું પાટનગર ઢાકા. જ્યાં સુધી પાકિસ્તાની સેના એકજુટ રહીને લડતી રહે અને ઢાકા પર તેનો કબજો જાળવી રાખે ત્યાં સુધી ભારત બાંગ્લાદેશની મુક્તિનું રાજકીય લક્ષ્ય પ્રાપ્ત કરી શકે તે વાતમાં માલ નહોતો. વળી, પાકિસ્તાનના મિત્ર દેશો અને અમેરિકાનો હસ્તક્ષેપ ભારતના કર્યા કારવ્યા પર પાણી ફેરવી શકે તેમ હતા.
આઝાદી બાદ ચોથું યુદ્ધ લડી રહેલી ભારતીય સેના યુદ્ધમાં સમયનું મહત્ત્વ સમજી ચૂકી હતી. પાકિસ્તાન તેના મિત્ર દેશો સાથે મળીને યુનાઇટેડ નેશન્સ પાસે યુદ્ધ વિરામની ઘોષણા કરાવવા પૂરો દમ લગાવી રહ્યું હતું. તેમના એક પછી એક સીઝ ફાયર (યુદ્ધ વિરામ)ના પ્રસ્તાવોને ભારતનું મિત્ર રશિયા વીટો કરીને ફગાવી રહ્યું હતું.
હનુમાનજી જ્યારે સૌપ્રથમ વાર સાગર પાર કરવા ગયા ત્યારે તેમને જાંબવંત થકી પોતાની શક્તિઓનું જ્ઞાન લાદ્યું. તે જ રીતે આટલાં વિશાળ ફલક પર થઇ રહેલાં યુદ્ધમાં સૌપ્રથમ વાર ભાગ લઇ રહેલાં ભારતીય સશ બળોને પણ કદાચ તેમની અપાર ક્ષમતાઓનો બોધ થયો નહોતો. પૂર્વી કમાનને મળેલાં પ્રારંભિક આદેશો દુશ્મનનો વધુમાં વધુ પ્રદેશ કબજો કરવા અંગે હતા, જેમાં મુખ્ય શહેરો, બંદરો અને ચિત્તાગોંગ અને ખુલના જેવા મુખ્ય જળવ્યાપાર કેન્દ્રો સામેલ હતાં વળી સૈન્ય અભિયાનનો લશ્કરી ઉદ્દેશ્ય ઢાકા નહોતો.
આપણી પારંપરિક યુદ્ધ શૈલી મુજબ સેના દુશ્મનની એક પછી એક કિલ્લેબંધી પર હુમલાઓ કરી દુશ્મનના કબ્જામાંથી શહેરો અને પ્રદેશોને મુક્ત કરાવવા આગળ ધપી રહી હતી, પરંતુ આ પરિસ્થિતિમાં આપણે માટે અભી ઢાકા બહુત દૂર હતું.
યુદ્ધની શતરંજમાં દુશ્મનના એક એક સિપાહીને શોધીને ખતમ કરવાને બદલે દુશ્મનની મનોસ્થિતિ પર દબાવ આણવામાં આવે અને તેમનું માનસિક પતન થાય તે વધુ સમજદારી ભર્યું જણાઈ રહ્યું હતું. એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવું પડે કે દુશ્મન સેના તેનું મનોબળ ગુમાવી બેસે અને લડાઈ ચાલુ રાખવા માટે પૂરતાં ોતો હોવા છતાં હાર સ્વીકારે.
ભારત માટે જરૂરી હતું કે દુશ્મનની સૌથી મોટી નબળાઈને નષ્ટ કરવાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરવાની સાથે શેષ લડાઈ માટે પૂરતી ક્ષમતા પણ જાળવી રાખવામાં આવે. આપણી સેના માટે આપૂર્તિના માર્ગો ખુલે તે માટે ફક્ત પસંદ કરેલાં લક્ષ્યાંકો પર હુમલા કરવામાં આવ્યા. દુશ્મનની સુરક્ષામાં પડેલાં ગાબડાઓનો લાભ ઉઠાવી દુશ્મનને તેની નબળાઈની પરિસીમા પર પહોંચાડવામાં આવ્યો. એકવાર દુશ્મનની દુખતી રગ -ઢાકાની સુરક્ષા જોખમાઈ એટલે તેની સઘળી શક્તિઓ અને સૈન્ય બળ બધું જ બિનઅસરકારક પુરવાર થઇ રહ્યું હતું.
મૂળ મુદ્દાની વાત એમ હતી કે ભારતના પૂર્વ પાકિસ્તાન પર વિજયની મુખ્ય ચાવી ઢાકાનું પતન હતું. ઢાકા પડે કે દુશ્મનનું માનસિક પતન થાય અને ભારતનો વિજય સુનિશ્ર્ચિત થાય.
પૂર્વી કમાનના મુઠ્ઠીભર ઉચ્ચ અધિકારીઓને યુદ્ધની શતરંજ બિસાતમાં દુશ્મનના મુખ્યમથક ઢાકાનું મહત્ત્વ સમજાઈ ચુક્યું હતું. ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ જે.એફ.આર. જેકબના નેતૃત્વમાં આ અધિકારીઓએ સૈન્ય મુખ્યાલય તરફથી લગાતાર વધુને વધુ પ્રદેશો પર કબજો કરવા માટે આવી રહેલાં આદેશોને આંખ બંધ કરીને અનુસરવાને બદલે દુશ્મન શાસનનાં કેન્દ્ર ઢાકાને સતત લક્ષ્યાંકિત રાખ્યું.
ભારતીય નૌસેનાએ હાથ ધરેલાં નાગચૂડ સમાન બ્લોકેડ ઓપરેશન્સને લીધે પશ્ર્ચિમ પાકિસ્તાન અને પૂર્વી પાકિસ્તાન વચ્ચેનો જળમાર્ગેથી સૈન્ય સંપર્ક ઠપ્પ થઇ ચૂક્યો હતો. ભારતીય સૈન્ય પશ્ર્ચિમ પાકિસ્તાનથી શો કે સૈનિકોનો પુરવઠો પૂર્વ પાકિસ્તાન પહોંચવા નહોતું દઈ રહ્યું. વળી પૂર્વી પાકિસ્તાનની હવાઈ પટ્ટીઓ અને વિમાનોનો ભારતીય વાયુસેના કચ્ચરઘાણ વાળી ચૂકી હતી.
૧૧ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ, ભારતીય સેનાની ૨-પેરા બટાલિયનના ૧૦૦૦ જવાનો લે. કર્નલ કુલવંત સિંહ પન્નુના નેતૃત્વમાં ઢાકાના તાંગીલ ખાતે એર-ડ્રોપ થયા. ભારતીય સેનાના ઈતિહાસના સૌથી મોટાં એરડ્રોપ ઓપરેશનનું લક્ષ્ય યમુના નદી પરના પુંગલી બ્રીજ પર કબજો જમાવવાનું હતું જેથી પૂર્વ પાકિસ્તાનના પાટનગર ઢાકાને બચાવવા મયમેનસિંહથી ઢાકા તરફ પીછેહઠ કરી રહેલી પાકિસ્તાનની ૯૩મી બ્રિગેડને રોકી શકાય. પુંગલી બ્રીજ પર આધિપત્ય સ્થાપિત કર્યા બાદ, ૨-પેરા બટાલિયન ઢાકા તરફ ધસમસી રહેલી ૯૫ માઉન્ટેન બ્રિગેડ સાથે સૈન્ય કાર્યવાહીમાં જોડાઈ.
ભારતીય પેરા કમાન્ડોના ઢાકાના પાદરે હવાઈ ઉતરાણથી ગભરાયેલા પૂર્વી પાકિસ્તાનના સૈન્ય કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એએકે નિયાઝીએ ૧૨ ડિસેમ્બર ૧૯૭૧ ના રોજ પાકિસ્તાની સેનાના ચીફ ઓફ જનરલ સ્ટાફને સંદેશો મોકલ્યો: દુશ્મને (ભારતે) નરસીંગડીની દક્ષિણે લગભગ એક બ્રિગેડ (૫૦૦૦થી વધુ) અને તાંગીલ પ્રદેશમાં એક પેરા બ્રિગેડ (૫૦૦૦થી વધુ) સૈનિકો હેલી ડ્રોપ (હવાઈ માર્ગે ઉતાર્યા) કર્યા છે. (તમને) વિનંતી છે કે મિત્રો (પાકિસ્તાની સૈનિકો)ને ૧૨મી ડિસેમ્બરે ફર્સ્ટ ફ્લાઈટથી હવાઈ માર્ગે મોકલો.
૧૩ ડિસેમ્બર ૧૯૭૧ નિયાઝીનો વધુ એક સંદેશ: ઢાકા ભારે દબાવમાં છે. વિદ્રોહીઓ (મુક્તિબાહિની)એ શહેરને ઘેરી લીધું છે. ભારતીયો પણ આગળ વધી રહ્યા છે. પરિસ્થિતિ ચિંતાજનક છે. વાયદા પ્રમાણેની મદદે વાસ્તવિક રૂપ ૧૪મી ડિસેમ્બર પહેલાં લેવું જ પડશે. (આપનો હુમલો) સિલીગુડી તરફ અસરકારક રહેશે, નેફા(નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એરિયા)માં નહીં અને દુશ્મન (ભારત)નાં હવાઈ મથકો પર.
૧૩ અને ૧૪ ડિસેમ્બરની રાત્રે નિયાઝીએ પાકિસ્તાની કમાન્ડર ઇન ચીફ જનરલ હમીદને ફોન પર આજીજી કરી કે યાહ્યા ખાનને કહીને ઝડપથી યુદ્ધવિરામની ઘોષણા કરાવે.
યાહ્યા ખાને નિયાઝીને ૧૪ ડિસેમ્બરે સંદેશ મોકલ્યો: તમે હવે એક એવી પરિસ્થિતિમાં આવી ચુક્યા છો જ્યારે વધુ પ્રતિરોધ ન તો શક્ય છે ન તેનાથી કંઈ ફાયદો થશે. તેનાથી કેવળ વધુને વધુ વિનાશ થશે અને જાન માલની હાનિ થશે. તમારે હવે શક્ય તેવાં સઘળાં કદમ ઉઠાવીને લડાઈને રોકવી જોઈએ.
૧૪ ડિસેમ્બરના રોજ ૨૮ સ્કવોડ્રન, ૦૪ સ્કવોડ્રન અને ૩૭ સ્કવોડ્રનના મીગ અને હન્ટર યુદ્ધ વિમાનોએ ઢાકાના ગવર્નમેન્ટ હાઉસમાં ચાલી રહેલી ઇસ્ટ પાકિસ્તાનના ગવર્નર અને તેમની કેબિનેટની ઉચ્ચ કક્ષાની મીટિંગમાં વિક્ષેપ નાખતાં, એક પછી એક – બે હવાઈ હુમલા કર્યા. બીજો હુમલો શરૂ થતાં જ ઇસ્ટ પાકિસ્તાનના ગવર્નર ડૉ. એ.એમ માલિકે તેનું રાજીનામું પાકિસ્તાનના શાસક યાહ્યા ખાનને મોકલી આપ્યું તેની સાથે જ પૂર્વી પાકિસ્તાનની છેલ્લી સરકારનો અંત આવ્યો.
દુશ્મને તેનાં અગ્રીમ તહેનાત થયેલ સૈન્યને પાછું ખેંચી ઢાકાની જડબેસલાક સુરક્ષાની યોજના તૈયાર કરી હતી, પરંતુ ૧૧મી ડિસેમ્બરના ૨-પેરાના તાંગીલ એર-ડ્રોપ અને ત્યારબાદ ઉત્તરેથી ૯૫ માઉન્ટેન બ્રિગેડ અને મેઘના પાર કરીને ઢાકા તરફ ધસી રહેલાં ૪-કોર દ્વારા ભારતીય સૈન્ય માટે ઢાકા જવાનો માર્ગ પ્રશસ્ત થયો જેને પરિણામે દુશ્મનની યોજનાબદ્ધ નિકાસી હકીકતે વેરવિખેર થઇ પીછેહઠમાં પરિણમી. ભારતીય અગ્રીમ હરોળ ૨ પેરા અને ૯૫ માઉન્ટેન બ્રિગેડ, ૧૬ ડિસેમ્બરનાં રોજ વહેલી સવારે ઢાકામાં પ્રવેશ્યા, તેમના પછી પ્રવેશ થયો સૈન્યની ૪થી કોરના ૫૭ માઉન્ટેન ડિવિઝનનો.
પાકિસ્તાનનું મોટાભાગનું સૈન્ય હજી અકબંધ હતું. ઢાકામાં તહેનાત પાકિસ્તાની સૈનિકોની સંખ્યા ભારતની અગ્રીમ હરોળ કરતાં ક્યાંય વધુ હતી, પરંતુ પાકિસ્તાનની દુખતી રગ દબાઈ ચૂકી હતી. ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ ના રોજ ૧૬૩૧ (સાંજે ૪.૩૧) કલાકે પૂર્વી પાકિસ્તાનમાં રહેલાં ૯૩૦૦૦ પાકિસ્તાની સૈનિકો અને તેમના વડા જનરલ નિયાઝીએ ઢાકા રેસકોર્સમાં એક જાહેર કાર્યક્રમમાં ભારતીય સેનાની શરણાગતિ સ્વીકારી અને આઝાદ ભારતના સૈન્ય ઈતિહાસમાં એક સુવર્ણ કલગી ઉમેરાઈ ગઈ.
જય હિન્દ
(લેખક નૌસેનાનાં નિવૃત્ત અધિકારી છે.)