રૂપિયો નબળો પડતાં વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં ₹ ૨૪૧નો સુધારો, ચાંદી ₹ ૩૩૩ ઘટી

વેપાર વાણિજ્ય

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ૦.૫ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્ય સત્ર દરમિયાન સોના-ચાંદીના ભાવમાં પીછેહઠનું વલણ જળવાઈ રહ્યું હતું. જોકે, ત્યાર બાદ ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસા ઘટીને બંધ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્ર્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૦થી ૨૪૧નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૩૩નો ઘટાડો આવ્યો હતો.
આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવ ૧.૭ ટકા જેટલાં ઘટી આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ મર્યાદિત રહેતાં ભાવ ગઈકાલના બંધથી વધુ કિલોદીઠ રૂ. ૩૩૩ ઘટીને રૂ. ૬૦,૭૪૪ના મથાળે બંધ રહ્યા હતા. વધુમાં મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૯થી ૧૫૦નો ઘટાડો જોવા મળ્યા બાદ રૂપિયો નબળો પડતાં આયાત પડતરમાં વધારો થવાથી સત્રના અંતે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૦ વધીને રૂ. ૫૦,૯૫૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૪૧ વધીને રૂ. ૫૧,૧૫૫ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહી હતી. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં અભાવ રહ્યો હતો. તેમ જ સપ્તાહના અંતે અમેરિકી સંસદમા ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં ટેસ્ટિમની પર રોકાણકારોની નજર હોવાથી રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હતું. આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા ઘટીને ૧૮૨૩.૬૧ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૭ ટકા ઘટીને ૧૮૨૫.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૭ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી જુલાઈ મહિનાની નીતિવિષયક બેઠકમાં વધતા ફુગાવાને નાથવા માટે વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ધારણા મુકાઈ રહી છે. જોકે, વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતા વિશ્ર્લેષકોના મતાનુસાર આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૮૨૧ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી છે અને જો આ સપાટી તૂટે તો ભાવ વધુ ઘટીને ૧૮૧૨ ડૉલર સુધી ઘટે તેવી
શક્યતા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.