હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ સુદાનથી શારજાહ થઈને આવેલી 23 મહિલા મુસાફરો પાસેથી રૂ. 7.89 કરોડના સોનાના દાગીના જપ્ત કર્યા છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. બુધવારે એરપોર્ટ પર તમામ મહિલાઓ અને તેમના સામાનની તલાશી લેવામાં આવી ત્યારે કુલ 14,906.3 ગ્રામ સોનું મળી આવ્યું હતું. જેમાં 14,415 ગ્રામ 22 કેરેટ સોનું અને 491 ગ્રામ 24 કેરેટ સોનું સામેલ હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જુદા જુદા મુસાફરો પાસેથી મળી આવેલા જથ્થાના આધારે, તેમાંથી ચારની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.
મુસાફરોએ સોનાના દાગીના પોતાના જૂતામાં છુપાવી દીધા હતા. આ વર્ષે એરપોર્ટ પર સોનાનો આ સૌથી મોટો કન્સાઈનમેન્ટ છે. અગાઉ 11 જાન્યુઆરીએ કસ્ટમ અધિકારીઓએ દુબઈથી આવી રહેલા એક મુસાફર પાસેથી રૂ. 33.57 લાખની કિંમતનું 583.11 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. તેણે સેલોટેપ મોબાઈલ કવરમાં સોનાની લગડીઓ છુપાવી હતી. બીજી તરફ 6 જાન્યુઆરીએ દુબઈથી આવેલા ચાર મુસાફરો પાસેથી 77.02 લાખ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, એક દિવસ પહેલા જ કસ્ટમ અધિકારીઓએ દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી રૂ. 27.78 લાખનું સોનું જપ્ત કર્યું હતું.