રૂપિયો નબળો પડતાં વિશ્ર્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં તેજીનો ચમકારો: કસ્ટમ ડ્યૂટી વધતાં માગ વધુ રૂંધાવાની અને દાણચોરી વધવાની ભીતિ

વેપાર વાણિજ્ય

કોમોડિટી -રમેશ ગોહિલ

ક્રૂડતેલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને કારણે વિશ્ર્વભરના દેશોમાં ફુગાવાની સપાટીમાં વધારો થયો છે અને વધતા ફુગાવાને ડામવા માટે કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરી રહી છે. અમેરિકી ફેડરલ રિઝર્વે તેની ગત જૂન મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કર્યા બાદ હવે આગામી ૨૬-૨૭ જુલાઈની બેઠકમાં પણ વધુ આક્રમક ધોરણે વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા મુકાઈ રહી છે. વ્યાજમાં વધારા સાથે અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની ટ્રેઝરની યિલ્ડમાં પણ વધારો થઈ રહ્યો હોવાથી સોનામાં રોકાણકારોની વેચવાલીનું દબાણ અને નવી લેવાલી રૂંધાઈ રહી છે. કેન્દ્રવર્તી બૅન્કો દ્વારા નાણાનીતિ તંગ કરવામાં આવતા બજારમાં ડૉલરની પ્રવાહિતા ઘટવાથી સામાન્યપણે ફુગાવા વૃદ્ધિ અને આર્થિક અનિશ્ર્ચિતતાના સમયે જોવા મળતી સોનામાં સલામતી માટેની માગ નિરસ રહેતાં ગત સપ્તાહના અંતે વૈશ્ર્વિક સોનાના ભાવે એક તબક્કે ઔંસદીઠ ૧૮૦૦ ડૉલરની સપાટી ગુમાવી હતી. જોકે ત્યાર બાદ ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો અને ફરી ૧૮૦૦ ડૉલરની સપાટી પાર કરી ગયા હતા, પરંતુ એકંદરે અન્ડરટોન નરમાઈનો જ રહ્યો હતો. ગત સપ્તાહે વૈશ્ર્વિક સોનામાં નરમાઈતરફી વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાપ્તાહિક ધોરણે ૬૧ પૈસાનું ધોવાણ થયું હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી ભાવમાં વિશ્ર્વ બજારથી વિપરીત સુધારાતરફી વલણ રહ્યું હતું. વધુમાં ગત સપ્તાહના અંતે શુક્રવારે સરકારે ચાલુ ખાતાની ખાધને અંકુશમાં રાખવા માટે ૩૦ જૂનથી અમલી બને તેમ સોના પરની આયાત જકાત જે ૭.૫૦ ટકા હતી તે વધારીને ૧૨.૫૦ ટકા કરી હતી. આમ ડ્યૂટી વધારાના પગલે સ્થાનિક ઝવેરી બજારમાં સપ્તાહના અંતે ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં આગલા દિવસની સરખામણીમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૨૮નો ઉછાળો આવી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત મે મહિનામાં સોનાની આયાત વધીને ૧૦૭ ટનની સપાટીએ પહોંચી હતી અને જૂન મહિનામાં પણ આયાત નોંધપાત્ર સ્તરે રહી હોવાના અહેવાલ હતા. એકંદરે સોનાની આયાત વધવાને કારણે ચાલુ ખાતાની ખાધ દબાણ હેઠળ આવતી હોવાથી ચાલુ ખાતાની ખાધને અંકુશમાં રાખવા ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો હોવાનું નાણાં મંત્રાલયે જણાવ્યું હતું. ડ્યૂટી વધારા અંગે ઑલ ઈન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડૉમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન આશીષ પેઠેએ કહ્યું જણાવ્યું હતું કે સોના પરની ડ્યૂટીમાં કરાયેલો વધારો આશ્ર્ચર્યજનક છે, અમે માનીએ છીએ કે ડૉલર સામે રૂપિયામાં થતું ધોવાણ અટકાવવા સરકારે આ પગલું લીધું છે, પરંતુ તેને કારણે સોનાની દાણચોરીમાં વધારો થશે. દરમિયાન ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ૨૪ જૂન, ૨૦૨૨ના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦,૮૨૯ના બંધ સામે રૂ. ૫૧,૦૨૧ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૫૦,૮૬૩ અને ઉપરમાં રૂ. ૫૧,૮૪૯ની રેન્જમાં અથડાઈને અંતે રૂ. ૫૧,૭૯૧ની સપાટીએ બંધ રહ્યા હતા. આમ સપ્તાહ દરમિયાન ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૬૨ અથવા તો ૧.૮૯ ટકાનો સુધારો નોંધાયો હતો. તાજેતરમાં લગ્નસરાની મોસમ પૂરી થઈ હોવાથી ગત સપ્તાહે રિટેલ માગ નિરસ રહી હતી અને હવે ડ્યૂટી વધારાને પગલે ભાવમાં વધારો થતાં માગ વધુ નિરસ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં રિદ્ધિસિદ્ધિ બુલિયનના મેનેજિંગ ડિરેક્ટર પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે ભાવમાં વધારો અને માગ નિરસ રહેતાં ગત સપ્તાહે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ જે આગલા સપ્તાહે ઔંસદીઠ આઠ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા તેની સામે ગત સપ્તાહે ૪૦ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હોવાનું મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું. વધતા ફુગાવાને નાથવા માટે કેન્દ્રવર્તી બૅન્કોએ વ્યાજદરમાં વધારાનું હથિયાર ઉગામ્યું હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને તંગ નાણાનીતિને કારણે પ્રવાહિતા ઓછી રહેતાં જૂનના અંતે પૂરા થયેલા ત્રિમાસિકગાળામાં ડૉલર ઈન્ડેક્સ બે દાયકાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને પાંચ વર્ષમાં જૂન અંતના ત્રિમાસિકગાળામાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી અને ડૉલર મજબૂત રહેતાં સોનામાં માગ નિરસ રહેતાં જૂન અંતના ત્રિમાસિકગાળામાં અંદાજે છ ટકા જેટલો ઘટાડો નોંધાઈ ગયો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદર વધારવામાં વધુ આક્રમક અભિગમ અપનાવે તેવી શક્યતા વ્યક્ત કરતાં એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે વ્યાજદરમાં વધારાને કારણે વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા પણ સપાટી પર છે. સામાન્યપણે આર્થિક વૃદ્ધિની ચિંતા અને વધતા ફુગાવાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે, પરંતુ ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સોનામાં માગ અવરોધી રહી છે. આથી અમારા મતે વર્તમાન સપ્તાહે પણ સોનાના ભાવ બેતરફી વધઘટે અથડાતા રહે તેવી શક્યતા છે અને ઓનલાઈન વાયદામાં સોનાના ભાવની રેન્જ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯,૦૦૦થી ૫૨,૦૦૦ની રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર એક તબક્કે સોનાના ભાવ ઘટીને ઔંસદીઠ ૧૮૦૦ ડૉલરની સપાટીની અંદર ઊતરી ગયા બાદ હાજરમાં ભાવ આગલા બંધથી ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૦૪.૮૧ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૩ ટકા ઘટીને ૧૮૦૧.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.