Homeવેપાર વાણિજ્યસોનામાં ₹ ૫૯નો ધીમો સુધારો, ચાંદી ₹ ૩૩ ઘટી

સોનામાં ₹ ૫૯નો ધીમો સુધારો, ચાંદી ₹ ૩૩ ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સોના-ચાંદીના ભાવમાં ૦.૪ ટકાનો સુધારો આગળ ધપ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮થી ૫૯નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની અને વપરાશકાર ઉદ્યોગની માગ મર્યાદિત રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩૩નો ઘટાડો આવ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૩ના ઘટાડા સાથે રૂ. ૬૭,૪૮૩ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયામાં સાધારણ ઘટાડા ઉપરાંત પ્રવર્તમાન લગ્નસરાની માગ પેટેની રિટેલ સ્તરની છૂટીછવાઈ માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮ વધીને રૂ. ૫૭,૩૬૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯ વધીને રૂ. ૫૭,૫૯૭ના મથાળે રહ્ય હતા.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તેમ જ અમેરિકી બૉન્ડની ઊપજમાં ઘટાડો થતા લંડન ખાતે સત્રના આરંભે સતત ચોથા સત્રમાં રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે સોનાના ભાવમાં સુધારો આગળ વધતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૧૮૮૨.૧૪ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને રૂ. ૧૮૮૧ના મથાળે ક્વૉટ થઈ રહ્યા હતા, હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૪૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વના મતે હજુ ફુગાવામાં અપેક્ષિત ઘટાડો થયો ન હોવાથી ફેડરલ રિઝર્વ હજુ વ્યાજદરમાં વધારો કરે એવું ગત બુધવારે ફેડરલના એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત ફેડરલના ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે જણાવ્યું હતું કે વેતન વૃદ્ધિ ધીમી પડી છે, પરંતુ ઘટાડો પર્યાપ્ત ન હોવાથી ફેડરલ રિઝર્વ થોડો સમય સુધી તંગ નાણાનીતિ અપનાવે તેવી શક્યતા છે. જોકે, બજાર વર્તુળો આગામી જુલાઈ સુધી ફેડરલ રિઝર્વ વ્યાજદર જે હાલ ૪.૫૦થી ૪.૭૫ ટકા છે તે વધારીને ૫.૧૩૨ ટકા સુધી લઈ જાય તેવી ધારણા મૂકી રહ્યા છે. વધુમાં અમેરિકી પ્રમુખ બાઈડને પણ આ વર્ષે કે આગામી વર્ષે અમેરિકન અર્થતંત્ર મંદીની ગર્તામાં સરે તેવી શક્યતા ન હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular