સોનામાં ₹ ૧૧નો ધીમો સુધારો, ચાંદી ₹ ૫૧ ઘટ્યા

બિઝનેસ

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પૂર્વે રોકાણકારો મોટું જોખમ લેવા માટે તૈયાર ન હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા રોકાણકારોની લેવાલી પાંખી હતી, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં ભાવમાં સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧નો સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી છ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતર ઘટવાથી સોનાના ભાવમાં વિશ્ર્વ બજારની સરખામણીમાં મર્યાદિત સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૫૧નો ઘટાડો આવ્યો હતો.
હાલ સોનામાં ભાવઘટાડાનો માહોલ છતાં લગ્નસરાની મોસમ પૂરી થઈ ગઈ હોવાથી રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રોકાણકારોની માગ ખપપૂરતી રહી હોવા છતાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૪૭૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૬૭૮ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વૈશ્ર્વિક બજારમાં ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૧ના ઘટાડા સાથે રૂ. ૫૫,૫૬૩ના મથાળે રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.