લંડન/મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, પરંતુ રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના જુલાઈ મહિનાના ફુગાવાના ડેટા પર હોવાથી તેઓએ સાવચેતીનો અભિગમ અપનાવતા સુધારો મર્યાદિત રહ્યો હતો.
જોકે, સ્થાનિક ઝવેરી બજાર આજે મોહર્મની જાહેર રજાને કારણે સત્તાવાર ધોરણે બંધ રહી હતી. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ૧૭૯૧.૧૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા વધીને ૧૮૦૭.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦.૫૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. હાલમાં સોનું રસપ્રદ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને સોનાના ભાવ પર મુખ્યત્વે ડૉલર ઈન્ડેક્સમાં થતી વધઘટની અસર જોવા મળી રહી હોવાનું રુપેર્ટ રોવલિંગનાં માર્કેટ એનાલિસ્ટે જણાવતાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત સોનાના ભાવ પર અસર કરતું અન્ય પરિબળ ફુગાવો છે. સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોનામાં સલામતી માટેની માગ ખૂલતી હોય છે, પરંતુ તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં વધારો થવાથી વૈશ્ર્વિક સ્તરે ફુગાવો વધવાથી કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજ દરમાં વધારો કરી રહી છે. ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરતા ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા છે. આજે મોડી સાંજે અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત થનારી છે અને વિશ્ર્લેષકો જુલાઈ મહિનાનો ફુગાવો જૂન મહિનાના ૯.૧ ટકા સામે ઘટીને ૮.૭ ટકા આસપાસ રહે તેવી ધારણા મૂકી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે અમેરિકાના જુલાઈ મહિનાના નોન ફાર્મ પેરોલ ડેટા અપેક્ષા કરતાં વધુ મજબૂત આવતા ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો આવતા સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો.
એકંદરે વૈશ્ર્વિક કેન્દ્રવર્તી બૅન્કો નાણાનીતિ તંગ કરી રહી હોવાથી વ્યાજદર અને ટ્રેઝરીની યિલ્ડમાં વધારો સોનામાં તેજી રૂંધી રહ્યો છે.
જોકે, રાજકીય-ભૌગોલિક તણાવ અને વ્યાજદરમાં વધારાને કારણે વૈશ્ર્વિક આર્થિક મંદીની ચિંતા સપાટી પર રહેતાં સોનામાં છૂટીછવાઈ સલામતી માટેની માગ રહેવાથી મોટો ઘટાડો અટકી રહ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

Google search engine