ડૉલર નબળો પડતાં વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૨૦૨નો અને ચાંદીમાં ₹ ૮૨૬નો ચમકારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થયો હોવા છતાં ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારામાં આક્રમક વલણ નહીં અપનાવે એવી શક્યતાએ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈને મક્કમ રહ્યા હતા, જેમાં સોનાના ભાવ ત્રણ સપ્તાહની ઊંચી સપાટી આસપાસ જળવાઈ રહ્યાના અહેવાલ હતા. આમ એકંદરે વિશ્ર્વ બજારના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૧થી ૨૦૨ વધી આવ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસા મજબૂત થયો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૨૬ વધીને રૂ. ૫૮,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૨૬ વધીને રૂ. ૫૮,૩૭૯ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં મધ્યસત્ર બાદ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની સલામતી માટેની માગ નીકળતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૦૧ વધીને રૂ. ૫૧,૪૬૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૦૨ વધીને રૂ. ૫૧,૬૬૮ના મથાળે રહ્યા હતા. જોકે, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સની નરમાઈ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી હાજરમાં સોનાના ભાવ ત્રણ સપ્તાહની ઊંચી ઔંસદીઠ ૧૭૬૫.૭૭ ડૉલર આસપાસની સપાટીએ અને વાયદામાં ભાવ ૧૭૮૨.૫૦ ડૉલર આસપાસની સપાટીએ અને ચાંદીના ભાવ ઔંસદીઠ ૨૦.૨૬ ડૉલર આસપાસના મથાળે ટકેલા ધોરણે ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકન અર્થતંત્રમાં વૃદ્ધિ ધીમી પડી રહી હોવાથી ફેડરલ રિઝર્વ આક્રમક ધોરણે વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પાતળી થતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ સોનાના મક્કમ વલણને ટેકો આપી રહ્યું હોવાનું એસપીઆઈ એસેટ્ મેનેજમેન્ટના વિશ્ર્લેષક સ્ટીફન ઈન્સે જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિ વિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા ૬૯ ટકા ટ્રેડર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે શેષ ૩૧ ટકા વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ધારણા મૂકી રહ્યા છે. ગત શુક્રવારે સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ આગલા દિવસની સરખામણીમાં ૦.૦૬ ટકા વધીને ૧૦૦૫.૮૭ ટનની સપાટીએ રહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.