Homeદેશ વિદેશવિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૫૪૪નો અને ચાંદીમાં રૂ. ૧૧૪૪નો ઉછાળો

વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૫૪૪નો અને ચાંદીમાં રૂ. ૧૧૪૪નો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી )
મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે સોનાના ભાવ એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે વિશ્વ બજારમાં ખાસ કરીને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં અને ડૉલર ઈન્ડેક્સમાં વધારો થતાં લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે સાવચેતીનો અભિગમ અપનાવતા બન્ને કીમતી ધાતુમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪૨થી ૫૪૪નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧૪૪નો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ૫૯ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે વૈશ્વિક બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૧૪૪ વધીને રૂ. ૬૧,૩૮૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરા પેટેની માગ જળવાઈ રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪૨ વધીને રૂ. ૫૧,૨૯૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૪૪ વધીને રૂ. ૫૧,૫૦૨ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ગુરુનાનક જયંતી નિમિત્તે સ્થાનિક ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન સત્તાવાર ધોરણે બંધ રહ્યું હતું.
દરમિયાન ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૨ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૭૦૯.૬૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા ઘટીને ૧૭૧૨.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧.૨૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી ૦.૧ ટકાનો સુધારો અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટ્યા મથાળેથી સુધારો થવાની સાથે રોકાણકારોની નજર અમેરિકાના જાહેર થનારા ફુગાવાના ડેટા પર હોવાથી રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા સોનાના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો જોવા મળ્યો છે. બજાર વર્તુળો માસિક અને વાર્ષિક ધોરણે ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૫ ટકા અને ૬.૫ ટકા રહે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. જો કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ઊંચી સપાટીએ જોવા મળે તો સોનાના ભાવ ૧૬૯૦ ડૉલર સુધી ઘટી શકે છે અને જો ઘટાડો જોવા મળે તો સોનાના ભાવ ૧૭૨૫ ડૉલરની સપાટી પાર કરે તેવી શક્યતા વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular