(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનનાં ઘણાં શહેરોમાં કોવિડ-૧૯નાં પ્રસારને અટકાવવા આકરા નિયંત્રણો લાદવામાં આવ્યાના અહેવાલ સાથે આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે આજે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં ઘટાડા તરફી વલણ રહ્યું હતું. જોકે, વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાધારણ નરમાઈનું વલણ રહેતાં સોનાની આયાત પડતર વધવાને કારણે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ભાવમાં ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. ૧૩નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૮૪ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી વિશ્વ બજારથી વિપરીત સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩ના સાધારણ સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૪૬૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૪૬૨ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવ એકંદરે ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાને કારણે જ્વેલરી ઉત્પાદકો,સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી પાંખી રહી હતી. તેમ જ રિટેલ સ્તરની માગ પણ મર્યાદિત રહી હતી. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં ૧.૫ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૮૪ના ઘટાડા સાથે રૂ. ૬૧,૪૪૫ના મથાળે રહ્યા હતા.
ચીન ખાતે કોવિડ-૧૯ના આકરા નિયંત્રણો લાદવામાં આવ્યાના અહેવાલે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારો નવી લેવાલીથી દૂર રહેતાં હાજરમાં ભાવ આગલા બંધથી ૦.૩ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૭૫૦.૨૦ ડૉલર અને વાયદામાં ભાવ ૨ ટકાના ઘટાડા સાથે ૧૭૫૦.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવ આગલા બંધથી ૧.૫ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૧.૨૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ચીનમાં લાદવામાં આવેલા કોવિડ-૧૯નાં નિયંત્રણોના વિરોધમાં ઘણાં શહેરોમાં છેલ્લા ત્રણ દિવસથી દેખાવો થઈ રહ્યા છે અને સામે કોવિડ-૧૯થી અસરગ્રસ્તોની સંખ્યામાં સતત થઈ રહેલા વધારાને કારણે સ્થિતિ વધુ કથળતા આજે ડૉલર મજબૂત થતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા છે. જોકે, હવે રોકાણકારોની નજર અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. જો ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જળવાઈ રહે તો સોનાના વૈશ્વિક ભાવ પુન: ગત ૨૩ નવેમ્બરની ઔંસદીઠ ૧૭૨૭.૫૦ ડૉલરની સપાટી સુધી પહોંચે તેવી શક્યતા વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.