Homeદેશ વિદેશફેડરલની મિનિટ્સની જાહેરાત પૂર્વે વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીમાં ધીમો સુધારો

ફેડરલની મિનિટ્સની જાહેરાત પૂર્વે વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીમાં ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ફેડરલ ઓપન માર્કેટ કમિટીની છેલ્લી નીતિવિષયક બેઠકની આજે મોડી સાંજે જાહેર થનારી મિનિટ્સ પૂર્વે લંડન ખાતે સોનાના ભાવમાં ધીમો સુધારો આવ્યાના નિર્દેશ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨નો સુુધારો આવ્યો હતો, વધુમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો પણ નબળો પડ્યો હોવાથી સોનામાં સુધારાને ટેકો મળ્યો હતો. આ ઉપરાંત ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૮૦ વધી આવ્યા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો વધુ ભાવઘટાડાના આશાવાદે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો અને માત્ર રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની મોસમની છૂટીછવાઈ માગ જળવાઈ રહી હોવા છતાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૨૩૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૪૫૬ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૦ વધીને રૂ. ૬૫,૮૫૦ના મથાળે રહ્યા હતા. અમેરિકી આજે મોડી સાંજે જાહેર થનારી છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં વ્યાજદર વધારા માટે ફેડરલ રિઝર્વ હળવો કે આક્રમક અભિગમ અપનાવશે તેનાં સંકેતો પર રોકાણકારોની મીટ મંડાઈ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે પાંખાં કામકાજો વચ્ચે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધથી સાધારણ ૦.૧ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૧૮૩૫.૭૯ ડૉલર અને ૧૮૪૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ સાંકડી વધઘટે ઔંસદીઠ ૨૧.૮૩ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યાં હતા. સામાન્યપણે વધતા ફુગાવા સામે રક્ષણ મેળવવા માટે રોકાણકારોની સોનામાં હેજરૂપી લેવાલી રહેતી હોય છે, પરંતુ જો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવામાં આક્રમક અભિગમ જાળવી રાખે તો ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થતાં રોકાણકારો સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણ કરવાથી વિમુખ થતાં હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં અમેરિકાના આર્થિક ડેટાઓ મજબૂૂત આવ્યા હતા. તેમ જ ગઈકાલે જાહેર થયેલો યુએસ બિઝનૅસ એક્ટિવિટી ઈન્ડેક્સ પણ મજબૂત રહેતાં ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવામાં આક્રમ અભિગમ જાળવી રાખે તેવી શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. આથી વિશ્લેષકે આગામી ટૂંકા સમયગાળામાં સોનાના ભાવ માટે ઔંસદીઠ ૧૮૩૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પૂરવાર થાય તેવી શક્યતા વ્યક્ત કરતાં જણાવે છે કે જો આ સપાટી તૂટે તો ભાવ ઔંસદીઠ ૧૮૧૬ ડૉલર સુધી ઘટે તેવી શક્યતા નકારી ન શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular