અમેરિકાના રોજગારીના ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં ધીમો સુધારો

ટૉપ ન્યૂઝ વેપાર વાણિજ્ય

સ્થાનિક સોનામાં રૂ. ૬૧ અને ચાંદીમાં રૂ. ૩૬૦ વધ્યા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકાના ગત ઑગસ્ટ મહિનાના નોન ફાર્મ પે રૉલ ડૅટાની જાહેરાત પૂર્વે આજે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યાના નિર્દેશ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૨૪ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે સ્થાનિક સોના-ચાંદી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. ૬૧નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૬૦ વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ રૂપિયો નબળો પડવાને કારણે સોનાની આયાત પડતરમાં વધારો થવાથી હાજરમાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી સાધારણ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૧ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૨૬૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૪૭૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. વધુમાં આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ચાંદીમાં પણ મધ્યસત્ર દરમિયાન ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૬૦ વધીને રૂ. ૫૨,૩૮૨ આસપાસના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાનાં નોન ફાર્મ પે રૉલ ડેટામાં ત્રણ લાખ રોજગારોનો ઉમેરો થવાની બજાર વર્તુળો ધારણા મૂકી રહ્યા છે અને ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરવાની શક્યતા જોઈ રહ્યા છે. જોકે, ડેટાની જાહેરાત પૂર્વે આજે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૭૦૧.૫૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ૧૭૧૧.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૭.૮૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત ગુરુવારે અમેરિકા ખાતે ગત સપ્તાહમાં બેરોજગારી ભથ્થુ મેળવવા માટેના દાવાઓની સંખ્યા ઘટીને બે મહિનાની નીચી સપાટીએ રહી હતી. તેમ જ ઑગસ્ટમાં નોકરીમાંથી છૂટા કરવાના પ્રમાણમાં પણ ઘટાડો થયો હતો. જોકે, ઑગસ્ટ મહિનામાં સોનામાં રોકાણકારોની વેચવાલીનું દબાણ રહેતાં સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ જે આરંભમાં ૧૦૦૬ ટન હતું તે મહિનાના અંતે ઘટીને ૯૭૩ ટનની સપાટીએ રહ્યું હોવાના અહેવાલ હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.