રૂપિયો બાર પૈસા નબળો પડતાં સોનામાં રૂ. ૯૮નો સુધારો, ચાંદી રૂ. ૩૬૩ વધી

ટૉપ ન્યૂઝ વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:આજે મોડી સાંજે થનારી અમેરિકાના અઠવાડિક રોજગારીના ડેટાની જાહેરાત અને આવતીકાલે મે મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે વિશ્ર્વ બજારમાં ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના ભાવ ઊંચી સપાટીએ રહેતાં ડૉલર સામે રૂપિયો ૧૨ પૈસાના ઘટાડા સાથે વિક્રમ નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. આમ ડૉલર સામે રૂપિયો નબળો પડવાને કારણે સોનાની આયાત પડતર વધતાં સ્થાનિક ઝવેરી બજારમાં મધ્ય સત્ર દરમિયાન હાજરમાં વિશ્ર્વ બજારથી વિપરીત ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૭થી ૯૮નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૩૬૩ વધીને ફરી રૂ. ૬૨,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. જોકે, વૈશ્ર્વિક નરમાઈ છતાં રૂપિયો નબળો પડવાને કારણે હાજરમાં મધ્ય સત્ર દરમિાયન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૭ વધીને રૂ. ૫૦,૯૩૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૯૮ વધીને રૂ. ૫૧,૧૩૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નીચા મથાળેથી લેવાલી નીકળવાની સાથે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૬૩ વધીને રૂ. ૬૨,૦૪૮ના મથાળે રહ્યા હતા.
દરમિયાન અમેરિકાના મે મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૫૧.૭૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા ઘટીને ૧૮૫૩.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ઔંસદીઠ ૨૨.૦૩ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા.
સામાન્યપણે ફુગાવા વધારાના સંજોગોમાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની લેવાલી રહેતી હોય છે, પરંતુ તાજેતરમાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે માગ રૂંધાઈ રહી છે. તેમ છતાં ગઈકાલે સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટના સોનાના હોલ્ેિડંગ આગલા દિવસની તુલનામાં ૦.૨ ટકા વધીને ૧૦૬૫.૩૯ ટનની સપાટીએ રહ્યું હતું, જે રોકાણકારોની સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યું છે, એવું દર્શાવે છે, એમ એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.