વૈશ્ર્વિક સોનું સાત મહિનાની નીચી સપાટીએ: સ્થાનિક સોનામાં રૂ. ૭૨૩નો અને ચાંદીમાં રૂ. ૨૦૭૨નો કડાકો

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા વચ્ચે આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલરમાં રોકાણકારોની સલામતી માટેની આક્રમક લેવાલી રહેતાં યુરોપના બજારોમાં સત્રના આરંભે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ઘટીને સાત મહિનાની નીચી સપાટી સુધી ગબડી ગતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨૧થી ૭૨૩ ઘટીને ફરી રૂ. ૫૨,૦૦૦ની સપાટીની અંદર અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૨૦૭૨ના ગાબડા સાથે રૂ. ૫૭,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી સાધારણ બે પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી તેની સોનાના ભાવ પર ખાસ અસર જોવા નહોતી મળી.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક બજારમાં ચાંદીના ભાવમાં ૧.૨ ટકા જેટલો ઘટાડો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં પણ મધ્ય સત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૦૭૨ના ઘટાડા સાથે રૂ. ૫૬,૦૮૧ની સપાટીએ રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ મધ્ય સત્ર દરમિયાન વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં ઘટાડાતરફી વલણ ઉપરાંત સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલીનું દબાણ ઉપરાંત ઘટતી બજારે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પાંખી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨૧ ઘટીને રૂ. ૫૧,૩૭૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૨૩ ઘટીને રૂ. ૫૧,૫૮૧ની સપાટીએ રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા થનારા અપેક્ષિત વ્યાજદરમાં વધારાને કારણે આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં રોકાણકારોની સલામતી માટેની લેવાલી ડૉલર તરફ વળી જવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે સોનાના ભાવ ઘટીને ગત ડિસેમ્બરના મધ્ય પછીની સૌથી નીચી ઔંસદીઠ ૧૭૬૨.૪૫ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ ગઈકાલના બંધથી સાધારણ ૦.૧ ટકા વધીને ૧૭૬૬.૫૪ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ૧૭૬૪.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૧.૨ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૮.૯૬ ડૉલરઆસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સની મજબૂતીને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું રોઈટર્સના ટૅક્નિકલ એનાલિસ્ટ વૉન્ગ તાઓએ જણાવતાં ઉમેર્યું હતું કે વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૭૫૬ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી છે અને જો આ સપાટી તૂટે તો ભાવ વધુ ઘટીને ઔંસદીઠ ૧૭૫૮ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય. જોકે, આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની જાહેર થનારી ગત જૂન મહિનાની નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર રોકાણકારોની નજર છે. આ મિનિટ્સમાં વ્યાજદરમાં વધારા અંગેની માર્ગરેખ બજારની ચાલ નિર્ધારિત થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.