ડૉલર મજબૂત થતાં વિશ્ર્વ બજાર પાછળ સોનામાં રૂ. 150 અને ચાંદીમાં રૂ. 694નો ઘટાડો

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ 0.3 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્ય સત્ર દરમિયાન સોનાચાંદીના ભાવમાં પીછેહઠનું વલણ જળવાઈ રહ્યું હતું. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો એક તબક્કે ગઈકાલના બંધથી 17 પૈસા નબળો પડ્યા બાદ 12 પૈસા ઘટીને ક્વૉટ થઈ રહ્યો હતો. આમ રૂપિયો નબળો પડતાં સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવ 1.3 ટકા જેટલાં ઘટી આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિકમાં મધ્ય સત્ર દરમિયાન .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ મર્યાદિત રહેતાં ભાવ ગઈકાલના બંધથી વધુ કિલોદીઠ રૂ. 694 ઘટીને રૂ. 60,383 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં મધ્ય સત્ર દરમિયાન સોનામાં પણ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 149 ઘટીને રૂ. 50,561 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 150 ઘટીને રૂ. 50,764ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં અભાવ રહ્યો હતો. તેમ જ સપ્તાહના અંતે અમેરિકી સંસદમા ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં ટેસ્ટિમની પર રોકાણકારોની નજર હોવાથી રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હતું. આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી 0.3 ટકા ઘટીને 1826.41 ડૉલર અને વાયદામાં ભાવ 0.6 ટકા ઘટીને 1827.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી 1.3 ટકા ઘટીને ઔંસદીઠ 21.38 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી જુલાઈ મહિનાની નીતિવિષયક બેઠકમાં વધતા ફુગાવાને નાથવા માટે વ્યાજદરમાં 75 બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ધારણા મુકાઈ રહી છે. જોકે, વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતા વિશ્ર્લેષકોના મતાનુસાર આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ 1821 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી છે અને જો આ સપાટી તૂટે તો ભાવ વધુ ઘટીને 1812 ડૉલર સુધી ઘટે તેવી શક્યતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.