(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે વધ્યા મથાળેથી ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ નોંધાતા લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યાના નિર્દેશ હતા. જોકે, ફેડરલ દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારાની ભીતી તોળાઈ રહી હોવાથી સોનામાં 0.2 ટકાનો અને ચાંદીમાં 0.8 ટકા જેટલો મર્યાદિત સુધારો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 532થી 535 વધી આવ્યા હતા, જેમાં શુદ્ધ સોનાએ ફરી રૂ. 56,000ની સપાટી પાર કરી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1400ના ઉછળા સાથે રૂ. 64,000ની સપાટી કુદાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1400ના ઉછાળા સાથે ફરી રૂ. 64,000ની સપાટી કુદાવીને રૂ. 64,407ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે વિશ્વ બજાર પાછળ સોનામાં પણ સુધારાતરફી વલણ રહેતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 532 વધીને રૂ. 55,860ના મથાળે અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 535 વધીને રૂ. 56,085ના મથાળે ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં છ પૈસા જેટલો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર ઘટવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારોની અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહી હતી. જોકે, હવે હોળાષ્ટકનો આરંભ થઈ ગયો હોવાથી રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે ડૉલર ઈન્ડેક્સમાં પુલબેક જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી 0.2 ટકા વધીને ઔંસદીઠ 1831.43 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી 0.1 ટકા વધીને 1838.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ કરહ્યા હતા. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ વધતા ફૂગાવાને ડામવા માટે વ્યાજદર વધારવામાં આક્રમક અભિગમ અપનાવે તેવી ભીતિ તોળાઈ રહી હોવાથી રોકાણકારોએ થોડાઘણાં અંશે લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી 0.8 ટકા વધીને ઔંસદીઠ 21.09 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગયા મહિને અમેરિકાના આર્થિક ડેટાઓ મજબૂત આવ્યા હોવાને કારણે સોનામાં વેચવાલીનું દબાણ વધુ રહેતાં માસિક ધોરણે ગત જૂન 2021 પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો અને એકંદરે બજારમાં ઓવર સોલ્ડ પૉઝિશન રહી હતી અને તેમાં આજે ડૉલરમાં પીછેહઠ નોંધાતા વેચાણો કપાવાથી ઝડપી સુધારો જોવા મળ્યો હોવાનું વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા માટે સોનામાં ઔંસદીઠ 1850થી 1860 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા નકારી ન શકાય.