વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો છતાં સ્થાનિક સોનામાં રૂ. 356ની અને ચાંદીમાં રૂ. 1940ની પીછેહઠ

17

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં કડાકો બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવા છતાં ભાવમાં 1900 ડૉલર કરતાં નીચી સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક સોનાચાંદી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 355થી 356નો કડાકો બોલાઈ ગયો હતો. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 56 પૈસા ગબડ્યો હોવાથી આયાત પડતરો વધવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં મર્યાદિત ઘટાડો નોંધાયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1940નું ગાબડું પડ્યું હતું.
બજારના સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1940ના કડાકા સાથે રૂ. 67,539ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ રિટેલ સ્તરની લગ્નસરા પેટેની છૂટીછવાઈ માગ રહેતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 355ના ઘટાડા સાથે રૂ. 57,202 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 356ના ઘટાડા સાથે રૂ. 57,432ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વે છેલ્લી નીતિવિષયક બેઠકના અંતે અપેક્ષાનુસાર વ્યાજદરમાં વધારો ધીમો પાડ્યો હતો. વધુમાં ગત શુક્રવારે અમેરિકાનાં જાહેર થયેલા જાન્યુઆરી મહિનાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવ્યા હતા અને બેરોજગારીનો દર ઘટીને 53 વર્ષ કરતાં વધુ નીચી 3.4 ટકાની સપાટીએ રહેતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં બે ટકા કરતાં વધુ માત્રમાં કડાકો બોલાઈ ગયો હતો. જોકે, આજે લંડન ખાસ સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી 0.5 ટકા વધીને ઔંસદીઠ 1875.20 ડૉલર અને વાયદામાં 0.6 ટકા ઘટીને 1887.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ઘટ્યા મથાળેથી 0.7 ટકા વધીને ઔંસદીઠ 22.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અગાઉ બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ વર્ષ 2023નાં ત્રીજા ત્રિમાસિકગાળાની બેઠક બાદ વ્યાજદરમાં કપાત કરવાની શરૂઆત કરે તેવો આશાવાદ સેવાઈ રહ્યો હતો, પરંતુ હવે ફેડરલ રિઝર્વ પહેલો રેટ કટ નવેમ્બર- ડિસેમ્બર આસપાસ કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી હોવાનું ઓસીબીસી એફએક્સનાં સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ્ટોફર વૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું હતું કે આ શક્યતાને ધ્યાનમાં લેતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહે તેમ હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવી શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!