Homeવેપાર વાણિજ્યસોનું રૂ. ૧૪૫૧ની આગઝરતી તેજી સાથે રૂ. ૫૯,૦૦૦ની પાર, ચાંદી રૂ. ૧૪૭૭...

સોનું રૂ. ૧૪૫૧ની આગઝરતી તેજી સાથે રૂ. ૫૯,૦૦૦ની પાર, ચાંદી રૂ. ૧૪૭૭ ચમકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી નાણાકીય કટોકટીમાં સ્થિરતા લાવવાના ભાગરૂપે યુબીએસ દ્વારા ક્રેડિટ સુઈસ ખરીદવાના પ્રયાસ કરી રહી હોવાના અહેવાલ સાથે ગત સપ્તાહના અંતે શુક્રવારે વૈશ્વિક સોનામાં ૨.૮ ટકા જેટલો ઉછાળો આવી ગયા બાદ વધ્યા મથાળેથી એક ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં પુન: ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે સપ્તાહના આરંભે મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારના વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૪૫થી ૧૪૫૧ની આગઝરતી તેજી આવી હતી અને ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૧૪૭૭નો ચમકારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને સોનામાં આગઝરતી તેજી આવવાને કારણે સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી અત્યંત પાંખી રહી હતી. તેમ જ ઊંચા મથાળેથી જૂના સોનામાં વેચવાલીનું દબાણ પણ વધુ રહ્યું હતું. આજે મધ્યસત્ર દરમિયાન હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૪૫ ઉછળીને રૂ. ૫૯,૪૩૨ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૪૫૧ના ઉછાળા સાથે રૂ. ૫૯,૬૭૧ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ કિલોદીઠ રૂ. ૧૪૭૭નો ચમકારો આવી જવાને કારણે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહી હતી. તેમ જ સ્ટોકિસ્ટોની લેવાલી પણ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગત રવિવારે યુબીએસએ ક્રેડિટ સુઈસને ૩.૨૩ અબજ ડૉલરમાં ખરીદવા માટે સહમતી આપી હોવાના અહેવાલ છતાં આ ડીલને કારણે આર્થિક સંકટ દૂર થવા બાબતે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવાથી સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે પુન: સુધારો જોવા મળ્યો હતો. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૯૮૮.૮૯ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ એક ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૧૯૯૪.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૦.૭ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૨.૪૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે પ્રવર્તમાન બૅન્કિંગ ક્ષેત્રની નાણાકીય કટોકટીને ધ્યાનમાં લેતાં અમેરિકી ફેડરલ રિઝર્વ આવતીકાલથી શરૂ થનારી બે દિવસીય નીતિવિષયક બેઠકમાં વ્યાજદર ૪.૫૦થી ૪.૭૫ ટકા આસપાસની સપાટીએ જાળવી રાખે તેવી શક્યતા ૫૯ ટકા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. તેમ છતાં આગામી બેથી ત્રણ દિવસ અથવા તો ફેડરલના નિર્ણય પૂર્વે રોકાણકારો સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવે તેવી શક્યતા વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -