(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકની આજે સમાપન થતી બે દિવસીય નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે આજે લંડન ખાતે સોનાના ભાવમાં સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા. જોકે, ગઈકાલે અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત પશ્ર્ચાત્ ડૉલર નબળો પડતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. આમ વિશ્ર્વ બજારના ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક સોના-ચાંદી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫૫થી ૩૫૬નો ચમકારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૧ પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કલોદીઠ રૂ. ૪૮૧ વધી આવ્યા હતા. આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી. જોકે, વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી મર્યાદિત રહી હતી. તેમ જ રિટેલ સ્તરની લગ્નસરાની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫૫ વધીને રૂ. ૫૪,૧૬૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૩૫૬ વધીને રૂ. ૫૪,૩૮૬ રહ્યા હતા. વધુમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ ૪૮૧ની તેજી સાથે રૂ. ૬૭,૬૪૨ના મથાળે રહ્યા હતા.
ગઈકાલે અમેરિકામાં જાહેર થયેલા ફુગાવાના ડેટામાં બજારની અપેક્ષા કરતાં વધુ ઘટાડો જોવા મળ્યો હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં હળવો વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ ઉછળીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
જોકે, હવે રોકાણકારોની નજર આજે સમાપન થઈ રહેલી નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પર હોવાથી અને વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૮૦૭.૭૭ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકાના ઘટાડા સાથે ૧૮૨૦.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૬૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદર વધારાના નિર્ણય પૂર્વે વૈશ્ર્વિક સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહેશે અને જો ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવામાં હળવો અભિગમ અપનાવે તો સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૧૮૩૨ ડૉલર સુધી પહોંચશે, પરંતુ પ્રતિકારક સપાટી ઔંસદીઠ ૧૮૨૦ ડૉલર આસપાસની રહે તેવી શક્યતા વશ્ર્લિેષકો વ્યક્ત કરી રહ્યા છે.