(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની નવી લેવાલીમાં નિરુત્સાહ રહ્યો હોવાથી હાજર ભાવમાં ૦.૬ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા નબળો પડ્યો હતો. આમ રૂપિયો નબળો પડતાં સ્થાનિકમાં સોનાની આયાત પડતરો વધવાને કારણે સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવ ઘટાડો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૦થી ૧૩૧ સુધી મર્યાદિત રહ્યો હતો. તે જ પ્રમાણે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ચાંદીના ભાવમાં પણ વધ્યા મથાળેથી કિલોદીઠ રૂ. ૫૦૬નો ઘટાડો આવ્યો હતો.
તાજેતરમાં બન્ને કીંમતી ધાતુઓના ભાવ ઊંચી સપાટીએ હોવાથી રિટેલ સ્તરની તેમ જ જ્વેલરી ઉત્પાદકોની માગ તળિયે બેસી ગઈ છે. આજે સોનામાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૦ના ઘટાડા સાથે રૂ. ૫૬,૫૨૫ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૭૫૨ના મથાળે રહ્યા હતા. તેમ જ .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૦૬ના ઘટાડા સાથે રૂ. ૬૮,૬૬૧ની સપાટીએ રહ્યા હતા. દરમિયાન આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં આગલા બંધથી ૦.૨ ટકા જેટલો સુધારો આવતાં રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા ઘટીને અનુક્રમે ૧૯૦૬.૪૯ ડૉલર અને ૧૯૦૯.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૯ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૩.૯૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આજે સોનાના ભાવમાં જોવા મળેલા ઘટાડાને પુલબેક તરીકે લેખાવતા કેડિયા કૉમોડિટીઝનાં ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે તેવી શક્યતા સોનામાં સુધારાને ટેકો આપી રહી છે. અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી બજાર વર્તુળો ધારણા મૂકી રહ્યા છે. આમ એકંદરે ઓછા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી કીંમતી ધાતુઓમાં રોકાણલક્ષી માગ ખૂલતી હોય છે, એમ તેમણે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતાનુસાર વર્તમાન વર્ષ ૨૦૨૩માં ખાસ કરીને ચાંદીમાં ઔદ્યોગિક અને રોકાણલક્ષી માગ વધુ રહેતાં સોનાની સરખામણીમાં ચાંદીમાં વધુ વળતર છૂટે તેમ જણાય છે.