સોનું ₹ ૪૨૭ વધીને ₹ ૫૨,૦૦૦ને પાર, ચાંદીમાં ₹ ૩૫૦નો સુધારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં ગત શુક્રવારે સોનાના ભાવ એક તબક્કે ઘટીને ૧૮૦૦ ડૉલરની અંદર પાંચ મહિનાનીની ઔંસદીઠ ૧૭૮૩.૫૦ ડૉલરની સપાટી સુધી ઊતરી ગયા બાદ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઘટીને મહિનાની નીચી સપાટીએ પહોંચતા સોનામાં સુધારાતરફી વલણ રહ્યું હતું અને ભાવ પુન: ૧૮૦૦ ડૉલરની સપાટી પાર કરી ગયા હતા.
વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતાં સોનાના ભાવ પુન: દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં ગત શુક્રવારે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યાના અહેવાલને ધ્યાનમાં લેતાં રોકાણકારોની છૂટીછવાઈ માગને ટેકે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૨૫થી ૪૨૭નો સુધારો આવ્યો હતો અને ભાવ રૂ. ૫૨,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૩૫૦ વધી આવ્યા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે સોનામાં વધ્યા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી. તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી પણ ખપપૂરતી મર્યાદિત રહી હતી. તેમ છતાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ, ડૉલર સામે રૂપિયામાં નરમાઈ અને સરકારે કસ્ટમ ડ્યૂટીમાં પાંચ ટકાનો વધારો કરતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૨૫ વધીને રૂ. ૫૨,૦૦૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૨૭ વધીને રૂ. ૫૨,૨૧૮ની સપાટીએ રહ્યા હતા. તે જ પ્રમાણે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટો, ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૫૦ વધીને રૂ. ૫૮,૧૨૩ના મથાળે રહ્યા હતા. દરમિયાન આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈતરફી વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી. તેમ છતાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૨૬-૨૭ જુલાઈની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતાં હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૦.૨ ટકા ઘટીને ૧૮૦૬.૫૮ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૩ ટકા વધીને ૧૮૦૬.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯.૮૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડમાં ઘટાડો આવતાં સોનામાં રોકાણકારોની લેવાલીનો ટેકો મળતાં ભાવ પુન: ૧૮૦૦ ડૉલરની સપાટી પાર કરી ગયા હોવાનું સિટી ઈન્ડેક્સના સિનિયર માર્કેટ એનાલિસ્ટ મેટ સિમ્પસને જણાવતાં ઉમેર્યું હતું કે જો યિલ્ડમાં ઘટાડાતરફી વલણ રહેશે તો સોનામાં સુધારો આગળ ધપે તેવી શક્યતા છે. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં વેચવાલીનું દબાણ રહેતાં સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ આગલા દિવસની તુલનામાં ૦.૮ ટકા ઘટીને ૧૦૪૧.૯૦ ટનની સપાટીએ રહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.