Homeદેશ વિદેશફેડરલના વ્યાજદરમાં હજુ વધારાના સંકેતે સોનામાં ₹ ૪૯૨ની પીછેહઠ, ચાંદી ₹ ૧૦૭૪...

ફેડરલના વ્યાજદરમાં હજુ વધારાના સંકેતે સોનામાં ₹ ૪૯૨ની પીછેહઠ, ચાંદી ₹ ૧૦૭૪ ગબડી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જો વધતા ફુગાવા પર ફેડરલ રિઝર્વની અપેક્ષિત પક્કડ નહીં આવે ત્યાં સુધી અને અમેરિકી અર્થતંત્ર જો મંદીની ગર્તામાં સરકી જશે તો પણ આગામી વર્ષે વ્યાજદરમાં વધારાનું વલણ જાળવી રાખવામાં આવશે એવો સંકેત અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે સમાપન થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે આપતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હતું અને લંડન ખાતે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯૦થી ૪૯૨નો ઘટાડો આવ્યો હતો અને ભાવ રૂ. ૫૪,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૭ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે વિશ્ર્વ બજાર પાછળ ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. ૧૦૭૪ના ગાબડાં સાથે રૂ. ૬૭,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા. આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલી તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૦૭૪ના ઘટાડા સાથે રૂ. ૬૬,૫૬૮ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯૦ ઘટીને રૂ. ૫૩,૬૭૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૯૨ ઘટીને રૂ. ૫૩,૮૯૪ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં રૂપિયાની નબળાઈને કારણે ભાવઘટાડો મર્યાદિત રહેતાં સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલી પાંખી હતી તેમ જ રિટેલ સ્તરની લેવાલી પણ ખપપૂરતી મર્યાદિત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો, પરંતુ આગામી વર્ષે પણ વધતા ફુગાવાને નાથવા માટે વ્યાજદરમાં વધારા અંગેનો આક્રમક અભિગમ જાળવી રાખવાના સંકેતો આપતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ પાંચ મહિનાની ઊંચી સપાટીએથી પાછા ફરીને ગઈકાલના બંધથી વધુ ૧.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૧૭૭૭.૫૬ ડૉલર અને વાયદામાં ભાવ ૧.૭ ટકા ઘટીને ૧૭૮૭.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૩.૫ ટકાના કડાકા સાથે ઔંસદીઠ ૨૩.૦૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ફેડરલ રિઝર્વના વ્યાજદર વધારાના આક્રમક અભિગમના સંકેતને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું વિશ્ર્લેષકો જણાવતા ઉમેરે છે કે વર્ષ ૨૦૨૩માં સોનામાં વધતા ફુગાવા સામેની હેજરૂપી માગને ટેકે ભાવમાં મક્કમથી સુધારાતરફી વલણ રહેશે, પરંતુ નજીકના ભવિષ્યમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ઘટાડો જોવા મળશે. હાલના તબક્કે સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૧૭૬૬થી ૧૭૮૦ની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular