સોનામાં ₹ ૧૨૫ અને ચાંદીમાં ₹ ૧૯૬ની પીછેહઠ

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા પ્રબળ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા. તેમ જ સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કીમતી ધાતુના ભાવમાં પીછેહઠ જળવાઈ રહી હતી, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૪થી ૧૨૫નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૯૬નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા ગબડ્યો હોવાથી આયાત પડતરમાં વધારો થવાથી બેતરફી વધઘટના અંતે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૪ ઘટીને રૂ. ૫૦,૩૫૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૨૫ ઘટીને રૂ. ૫૦,૫૫૩ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં રોકાણકારો, સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી. વધુમાં આજે ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૯૬ ઘટીને રૂ. ૫૫,૩૬૭ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૨૬-૨૭ જુલાઈની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા તેમ જ આવતીકાલે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરવાની વિચારણા કરી રહી હોવાના નિર્દેશે આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ હોવા છતાં હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૭૧૧.૯૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૭૦૭.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ઘટ્યા મથાળેથી ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૧૮.૮૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે હાલમાં ફુગાવામાં વધારાની ભીતિ છતાં વ્યાજદરમાં વધારાની ભીતિ, ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ રહેતી હોવાથી સોનામાં અવિરત પીછેહઠ જોવા મળી રહી હોવાનું રૉઈટર્સના વિશ્ર્લેષક વૉંગ તાઓએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા માટે વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ ૧૭૨૧ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે. જોકે, ભાવ આ સપાટી કુદાવે તો ભાવ વધીને ૧૭૨૮થી ૧૭૩૯ સુધી વધે તેવી શક્યતા નકારી ન શકાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.