Homeદેશ વિદેશફેડરલ રિઝર્વે ફુગાવાને ડામવા વ્યાજદર વધારાનો આક્રમક અભિગમ જાળવતાં સોનાની તેજીને પંક્ચર

ફેડરલ રિઝર્વે ફુગાવાને ડામવા વ્યાજદર વધારાનો આક્રમક અભિગમ જાળવતાં સોનાની તેજીને પંક્ચર

રૂપિયો નબળો પડતાં સ્થાનિક સોનામાં ભાવઘટાડો મર્યાદિત રહેતાં લગ્નસરાની માગને ફટકો

કોમોડિટી -રમેશ ગોહિલ

તાજેતરમાં અમેરિકી ફેડરલ રિઝર્વની ગત તા. ૧૩-૧૪ ડિસેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે અમેરિકાના આર્થિક ડેટા ઉપરાંત રોજગારીના ડેટાઓ પણ પ્રોત્સાહક આવી રહ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારા અંગે આક્રમક અભિગમ નહીં અપનાવે એવા આશાવાદ સાથે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સોનાના ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું. જોકે, ગત સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠકના અંતે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો, પરંતુ સાથે સાથે જ્યાં સુધી ફુગાવો અંકુશમાં નહીં આવે ત્યાં સુધી વ્યાજદરમાં વધારાનો સિલસિલો જાળવી રાખવામાં આવશે, એમ જણાવ્યું હતું. આટલુ જ નહીં તેમણે ત્યાં સુધી જણાવ્યું હતું કે જો અર્થતંત્ર મંદીની ગર્તામાં સરી જશે તો પણ ફુગાવાને ડામવા વ્યાજદરમાં વધારો કરવામાં આવશે.
આમ ફેડરલ રિઝર્વના આક્રમક રવૈયાને ધ્યામા લેતા વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક અને સોનાના ભાવમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. જોકે, સપ્તાહના અંતે વૈશ્ર્વિક બજારમાં સોનાના વેચાણો કપાતા ભાવમાં સુધારો આવ્યો હતો. તેમ છતાં સાપ્તાહિક ધોરણે ભાવમાં ચાર સપ્તાહનો સૌથી મોટો ૦.૩ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. વધુમાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઈંગ્લેન્ડે પણ વ્યાજદરમાં વધારા અંગે ફેડરલ રિઝર્વને અનુસરશે એવા સંકેતો આપતાં ડૉલર ઈન્ડેક્સની મજબૂતીને ટેકો મળ્યો હતો. તેમ જ ઈક્વિટી જેવી જોખમી અને સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતું.
ગત સપ્તાહના આરંભે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિકમાં પણ સોનાના ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી ખાસ કરીને રિટેલ સ્તરે પ્રવર્તમાન લગ્નસરાની માગ પર નોંધપાત્ર ફટકો પડ્યો હતો. જોકે, ફેડરલ રિઝર્વની બેઠકની ફળશ્રુતિ પશ્ર્ચાત્ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં ઘટાડો આવ્યો હતો, પરંતુ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હતો અને ડૉલર નબળો પડવાને કારણે સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો પણ મર્યાદિત રહ્યો હતો. આથી ભાવમાં મોટો ઘટાડો ન આવતાં માગ પર માઠી અસર પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત નવમી ડિસેમ્બરનાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩,૯૩૭ના બંધ સામે સાધારણ નરમાઈના ટોને રૂ. ૫૩,૮૯૮ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૫૩,૮૮૫ અને ઉપરમાં રૂ. ૫૪,૪૬૨ સુધીની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૧ વધીને રૂ. ૫૩,૯૯૮ના મથાળે બંધ રહ્યા હતા. વધુમાં ગત ૧૫ ડિસેમ્બરે સરકારે સોના અને ચાંદીની આયાત માટેની ટેરિફ વૅલ્યૂ વધારીને અનુક્રમે ૧૦ ગ્રામદીઠ ૫૮૨ ડૉલર અને કિલોદીઠ ૭૭૧ ડૉલર નિર્ધારિત કરતાં સ્થાનિકમાં સોના-ચાંદીની આયાત જકાતમાં વધારો થવાને કારણે પણ આયાત પડતરમાં પણ વધારો થયો હોવાથી ભાવઘટાડો સિમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એકંદરે ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરેથી માગ રૂંધાઈ જવાને કારણે ગ્રાહકોને આકર્ષવા ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૨૫ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડીલરો ભાવ ઔંસદીઠ ૨૦ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. ફેડરલની બેઠક પૂર્વે વિશ્ર્વ બજાર પાછળ સોનાના ભાવ વધીને ગત માર્ચ મહિનાના પહેલા સપ્તાહ પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચતાં ઘણાં ગ્રાહકોએ ખરીદી પાછળ ઠેલી છે અને હવે તેઓ ભાવમાં મોટા કરેક્શનની રાજ જોઈ રહ્યા હોવાનું મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું.
વધુમાં સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ કોવિડ-૧૯નાં નિયંત્રણો હળવા કરવામાં આવતા માગ ખૂલવાનો આશાવાદ સેવાઈ રહ્યો હતો, પરંતુ ભાવ ઔંસદીઠ ૧૮૦૦ ડૉલરની ઉપર રહ્યા હોવાથી માગ રૂંધાઈ ગઈ હતી. જો આગામી દિવસોમાં ભાવ ઔંસદીઠ ૧૮૦૦ ડૉલરની નીચેની સપાટીએ રહેશે તો માગ ખૂલે તેવો આશાવાદ વિન્ગ ફંગ પ્રીસિયસ મેટલ્સનાં ડીલિંગ વિભાગના હેડ પીટર ફંગે વ્યક્ત કર્યો હતો.
ગત સપ્તાહે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ બેતરફી વધઘટે અથડાઈ ગયા હતા. ખાસ કરીને સપ્તાહના આરંભે વ્યાજદરમાં વધારા અંગે ફેડરલ હળવો અભિગમ અપનાવે તેવી શક્યતાએ સોનામાં તેજીનું વલણ અને બેઠક પશ્ર્ચાત્ ફેડરલના આક્રમક અભિગમના અણસારે પીછેહઠ જોવા મળી હોવાથી સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ઘટાડો આવ્યો હતો. વધુમાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ ઈંગ્લેન્ડે પણ વ્યાજદરમાં વધારાનો સંકેત આપ્યો હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે વૈશ્ર્વિક સોનાના ભાવ દબાણ હેઠળ રહે તેવી શક્યતા એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે વ્યકત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ ૧૮૧૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી અને ઔંસદીઠ ૧૭૪૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેમ જણાય છે. જોકે, સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨,૮૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૫૫,૩૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ ખાતે સોનામાં વેચાણો કપાતા હાજરમાં ભાવ આગલા બંધથી ૦.૮ ટકાના સુધારા સાથે ઔંસદીઠઠ ૧૭૯૧.૫૯ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૭ ટકા વધીને ૧૮૦૦.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ફેડરલ રિઝર્વના કડક નાણાનીતિના અભિગમને ધ્યાનમાં લેતાં વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં ઑલ ફોલ ડાઉનનો માહોલ જોવા મળ્યો હોવથી સોનામાં થોડાઘણાં અંશે હેજરૂપી માગ ખૂલવાનો આશાવાદ અમુક વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular