નબળો ડૉલર સોનાના ભાવ વધારી રહ્યો છે, જ્યારે બીજી તરફ અમેરિકી ટ્રેઝરીની વધતી યિલ્ડ ભાવ દબાણ હેઠળ લાવી રહી છે

કોમોડિટી -રમેશ ગોહિલ

વીતેલા સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ ડૉલર સામે રૂપિયો નબળો પડવાને કારણે સોનાની આયાત પડતરમાં પણ વધારો થવાથી સોનાના ભાવ વધી આવતાં દેશમાં સોનાની ખરીદી પર માઠી અસર પડી હતી. વધુમાં સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં પણ ખાસ કરીને તાઈવાનના મુદ્દે અમેરિકા-ચીન વચ્ચે રાજકીય-ભૌગોલિક કટોકટીને કારણે ચીનના મોટા બુલિયન આયાતકારોએ ખરીદી સ્થગિત કરી હોવાના અહેવાલ હતા. એકંદરે સ્થાનિકમાં સોનાના ભાવ ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાથી છેલ્લા થોડા સપ્તાહથી રિટેલ માગ શુષ્ક થઈ ગઈ છે અને ખરીદદારો ભાવમાં કરેક્શનની રાહ જોઈ રહ્યા હોવાનું મુંબઈ સ્થિત એક હોલસેલરે જણાવતાં ઉમેર્યું હતું કે નિરસ માગને કારણે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧૪ ડૉલર આસપાસના ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત પાંચમી ઑગસ્ટના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨,૦૧૯ના બંધ સામે નરમાઈના ટોને રૂ. ૫૧,૯૬૮ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૫૧,૯૬૮ અને ઉપરમાં રૂ. ૫૨,૪૮૧ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૪૨ અથવા તો ૦.૮૪ ટકા વધીને રૂ. ૫૨,૪૬૧ના મથાળે બંધ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો સપ્તાહ દરમિયાન ૫૦ પૈસા નબળો પડ્યો હોવાથી આયાત પડતરોમાં પણ વધારો થવાથી સોનાની તેજીને ટેકો મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં યોજાયેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શૉમાં ભારતીય જ્વેલરોને સારો ઓર્ડર મળ્યો અને તેઓ આગામી તહેવારોની મોસમમાં પણ માગ સારી રહે તેવો આશાવાદ સેવી રહ્યા છે.
અમેરિકી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાત બાદ ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ સપાટી પર આવ્યો હતો. તેમ જ ગત સપ્તાહે પણ ચીને તાઈવાન આસપાસ પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હોવાથી ચીન અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધો અંગે પ્રશ્ર્નાર્થ યથાવત્ રહેતાં ચીનના સોનાના ખરીદદારોની તાઈવાનથી સોનાની ખરીદી સ્થગિત જેવી થઈ ગઈ હોવાનું ગ્રેટર ચાઈના સ્થિત એમકેએસ પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે પીપલ્સ બૅન્ચ ઑફ ચાઈના સ્થાનિક વાણિજ્ય બૅન્કોને ક્વૉટાની ફાળવણી કરીને સોનાની આયાત પર નિયંત્રણ રાખે છે. વધુમાં ગત સપ્તાહે ચીન ખાતે પણ સોનામાં માગ નિરસ રહેતાં ડીલરો સોનાના ભાવ પરના પ્રીમિયમ જે આગલા સપ્તાહે ઔંસદીઠ ૪થી ૧૧ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા તેની સામે પાંચથી નવ ડૉલરના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા. વધુમાં ગત સપ્તાહે હૉંગકૉંગ ખાતે પણ સોનામાં એકંદરે માગ પાંખી રહેતાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સમકક્ષ અથવા તો ઔંસદીઠ બે ડૉલર સુધીના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા, જ્યારે સિંગાપોર ખાતે ડીલરો ૧.૫૦થી ૨.૩૦ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ભાવ ઓફર કરી રહ્યાના અહેવાલ હતા. સિંગાપોર સ્થિત ડીલર સિલ્વર બુલિયનના સેલ્સ મેનેજર વિન્સેન્ટ ટાઈએ જણાવ્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળામાં સોનાની માગ દબાણ હેઠળ રહેશે, પરંતુ ત્યાર બાદ વર્ષ ૨૦૨૦ની રેલીનું પુનરાવર્તન જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય. જોકે, ડીલર ગોલ્ડ સિલ્વરનાં મૅનૅજિંગ ડિરેક્ટર બ્રિઆન લાને જણાવ્યું હતું કે આગામી તહેવારોની મોસમમાં સોનામાં માગ ખૂલવાની શક્યતાને ધ્યાનમાં લેતા ઉત્પાદન અને રેન્જ વધારવા માટે જ્વેલરોની ખરીદી જોવા મળી રહી છે.
વૈશ્ર્વિક સોનામાં સાપ્તાહિક ધોરણે સતત ચોથા સપ્તાહમાં ભાવમાં સાપ્તાહિક ધોરણે વૃદ્ધિ જોવા મળતા ગત સપ્તાહે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સની નરમાઈના ટેકે ભાવમાં અંદાજે એક ટકાનો વધારો થયો હતો. જોકે, ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં થઈ રહેલા વધારાને કારણે સોનામાં ભાવવધારાની ગતિ થોડી ધીમી રહી હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ફંડામેન્ટલી ધોરણે વૈશ્ર્વિક સોનું બેતરફી વધઘટે અથડાઈ રહ્યું છે. એક તરફ નબળો ડૉલર સોનાના ભાવ વધારી રહ્યો છે, જ્યારે બીજી તરફ અમેરિકી ટ્રેઝરીની વધતી યિલ્ડ ભાવ દબાણ હેઠળ લાવી રહી છે. નોંધનીય બાબત એ છે કે છેલ્લા ચાર સપ્તાહમાં સતત ત્રીજા સપ્તાહમાં ડૉલરમાં નબળાઈ જોવા મળી છે. ગત સપ્તાહે ગુરુવારે જુલાઈ મહિનાના યુએસ પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં અનપેક્ષિતપણે ઘટાડો જોવા મળ્યા બાદ શુક્રવારે જુલાઈ મહિનાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં ગૅસોલિનના ભાવમાં થયેલા ઘટાડાને કારણે કોઈ ફેરફાર ન થયો હોવાના અહેવાલ હતા. આમ એકંદરે ડેટા સારા આવતાં સાન ફ્રાન્સિસ્કો ફેડરલ રિઝર્વ બૅન્કના પ્રમુખ મેરી ડેલેએ આગામી સપ્ટેમ્બરની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. જોકે, ફેડ ફ્યુચર્સ અંતર્ગતના ટ્રેડરો પૈકી ૬૧.૫ ટકા ટ્રેડરોનું માનવુ છે કે ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરશે, જ્યારે શેષ ૩૮.૫ ટકા ટ્રેડરો ૭૫ બેઝિસ પૉઈન્ટના વધારાનો અંદાજ મૂકી રહ્યા છે. એકંદરે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં વર્તમાન સપ્તાહ દરમિયાન સોનાના વૈશ્ર્વિક ભાવમાં ધીમી પણ મક્કમ ગતિએ સુધારો જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં સપ્તાહ દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧,૦૦૦થી ૫૩,૮૦૦ની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા છે.
દરમિયાન ગત સપ્તાહના અંતે શુક્રવારે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવાને કારણે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ આગલા બંધથી સરખામણીમાં ૦.૫ ટકા વધીને ૧૭૯૮.૮૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ભાવમાં સાપ્તાહિક ધોરણે એક ટકા જેટલો વધારો નોંધાયો હતો, જ્યારે વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા વધીને ૧૮૧૫.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે સપ્તાહના અંતે ટ્રેઝરીની યિલ્ડ ઘટી આવતાં બજારમાં શોર્ટ કવરિંગ રહેવા ઉપરાંત અમેરિકામાં ફુગાવો ધીમો પડ્યો હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા પણ નબળી પડવાને કારણે સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું.

Google search engine