(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થનારી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે હાજર સોના-ચાંદીમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક સોના-ચાંદી બજારમાં આજે ખાસ કરીને સોનામાં ઘટ્યા મથાળેથી ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. ૪૭થી ૪૮નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં મર્યાદિત કામકાજે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭ વધીને રૂ. ૪૯,૧૭૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૮ વધીને રૂ. ૪૯,૩૬૮ના મથાળે રહ્યા હતા. જોકે, હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો હોવાને કારણે રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હતી. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં મુખ્યત્વે ઔદ્યોગિક વપરાશકારો, જ્વેલરી ઉત્પાદકો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૬,૩૫૪ના મથાળે ટકેલા રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થનારી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની નવી લેવાલી નિરસ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૧૬૬૮.૩૦ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલની જ ઔંસદીઠ ૧૬૭૬.૬૦ આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ૧.૭ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૯.૨૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આવતીકાલે સમાપન થતી બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, વ્યાજદર લાંબા સમયગાળા સુધી ઊંચી સપાટીએ જાળવી રાખવાનો જો સંકેત આપવામાં આવશે તો સોનાના ભાવ વધુ દબાણ હેઠળ રહે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર હાલ ડૉલર ઈન્ડેક્સ ૨૦ વર્ષની ઊંચી સપાટીએથી સાધારણ ૦.૨ ટકાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ ગઈકાલે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ એક દાયકાની ઊંચી સપાટી આસપાસ રહી હતી. હાલ વૈશ્ર્વિક સોનામાં રોકાણકારોની વેચવાલીનું દબાણ રહેતું હોવાથી ગઈકાલે વિશ્ર્વના સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હૉલ્ડિંગ ઘટીને માર્ચ, ૨૦૨૦ પછીની અથવા અઢી વર્ષની સૌથી નીચી ૩૦,૭૯૯.૧૩૧ ઔંસની સપાટીએ રહ્યું હોવાના અહેવાલ હતા.

Google search engine