મુંબઈ: અમેરિકા ખાતે ગઈકાલે જાહેર થયેલા ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ ઝડપી વૃદ્ધિ જોવા મળી હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી ચિંતા સપાટી પર આવતા આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હતું અને લંડન ખાતે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ શુદ્ધ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪૦ના ઘટાડા સાથે રૂ. ૫૭,૦૦૦ની સપાટી ગુમાવી રૂ. ૫૬,૪૭૮ની સપાટીએ પહોંચી ગયાં હતા. એ જ રીતે, સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૬,૭૯૦ પ્રતિ દસ ગ્રામ સામે ગુરુવારના સત્રમાં રૂ. ૫૩૮ના ઘટાડા સાથે રૂ. ૫૬,૨૫૨ના સ્તરે પહોંચ્યા હતા. હાજર ચાંદીના ભાવ મધ્યસત્રમાં ટ્રેન્ડથી વિપરીત ઘટ્યા બાદ અંતે એક કિલોદીઠ રૂ. ૬૫,૮૪૨ના પાછલા બંધ સામે રૂ. ૪૩૧ના ઘટાડા સાથે રૂ. ૬૫,૪૧૧ની સપાટીએ સ્થિર થયાં હતા. મધ્યસત્ર દરમિયાન નીચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૧૩ના સુધારા સાથે ફરી રૂ. ૬૬,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૬૬,૦૫૫ના મથાળે રહ્યા હતા જોકે, પાછળથી એકંદર બજારના નરમ ટોન સાથે લેવાલીનો ટેકો પર્યાપ્ત ના રહેતા પાછલા બંધથી નીચી સપાટીએ સરકી ગયાં હતા. સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત વધુ ઘટાડાના આશાવાદે રોકાણકારો અને સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહેતાં મધ્યસત્ર દરમિયાન જ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૭ ઘટીને રૂ. ૫૬,૫૪૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૪૮ ઘટીને રૂ. ૫૬,૭૭૦ના મથાળે રહ્યા હતા.
સોનાએ ₹ ૫૪૦ના ઘટાડા સાથે ₹ ૫૭,૦૦૦ની સપાટી ગુમાવી
RELATED ARTICLES