સોનામાં ₹ ૬૨નો ઘસરકો, ચાંદી વધુ ₹ ૨૦૬ ઘટી

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ આક્રમક ધોરણે વધારો કરવામાં આવે તેવી શક્યતા અને તેને કારણે આર્થિક વૃદ્ધિ પણ ખોરંભાઈ જવાની ભીતિ સાથે આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૧નો સુધારો આવ્યો હતો. જોકે, આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૨ પૈસાનો ઘટાડો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ઓછો ભાવઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૯૮નો સુધારો આવ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ છતાં ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૮ વધીને રૂ. ૬૧,૦૭૭ના મથાળે બંધ રહ્યા હતા. તેમ જ આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી નિરસ રહેવા ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૧ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૭૧૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૯૧૪ના મથાળે રહ્યા હતા.
ક્રૂડતેલના ભાવવધારા સાથે વૈશ્ર્વિક સ્તરે ફુગાવામાં થઈ રહેલા વધારાને અંકુશમાં રાખવા માટે વૈશ્ર્વિક કેન્દ્રવર્તી બૅન્કોએ વ્યાજદરમાં વધારા કરવા સહિત ઘણાં આશ્ર્ચર્યજનક પગલાંઓ લેતા ડૉલર ઈન્ડેક્સમાં આજે ઊંચા મથાળેથી સાધારણ ઘટાડો આવ્યો હતો, પરંતુ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૩૬.૧૨ ડૉલર અને વાયદામાં ભાવ ૧૮૩૯.૫૦ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૧.૬૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે હાલના તબક્કે રોકાણકારોની નજર આ સપ્તાહના અંતમાં અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર સ્થિર થઈ છે. આ વક્તવ્યમાં ફેડરલ રિઝર્વ લાંબાગાળાની નીતિ અંગે સ્પષ્ટ સંકેતો આપે તેવો આશાવાદ રોકાણકારો સેવી રહ્યા છે. વિશ્ર્લેષકોના મતાનુસાર વ્યાજદરમાં કરવામાં આવેલા વધારાની જો અર્થતંત્ર પર માઠી અસર પડી રહી છે, એવા નિર્દેશો મળે તો જ સોનામાં સલામતી માટેની માગનો ચમકારો જોવા મળે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.