રશિયાની ચીમકીને કારણે સોનાચાંદીમાં કરંટ

મુંબઇ: ફોરેકસ માર્કેટમાં ડોલર સામે રૂપિયાના ધોવાણ અનેરશિયાએ યુક્રેનમાં નવા સૈન્ય દળો મોકલવા સાથે પશ્ર્ચિમી દેશોને અણુ હુમલાની ચીમકી પણ આપી હોવાથી જીયોપોલિટિકલ ભય વધવાથી બુલિયન બજારમં ફરી એક વખત કરંટ જોવા મળ્યો હોવાનું સ્થાનક બુલિયન ડીલરે જણાવ્યું હતું. સોનું ૫૦,૦૦૦ની નજીક પહોંચ્યુ હતું જયારે, ચાંદી ૫૭,૩૦૦ની સપાટી વચાવી ગઇ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં આગેકૂચ અને ચાંદીમાં સુસ્ત વલણ જોવા મળ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં સોનાચાંદીમાં સુધારો રહ્યો હતો. ઝવેરી બજારમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું ૧૦ ગ્રામે રૂ. ૪૯,૬૦૬ના પાછલા બંધ સામે રૂ. ૪૯,૬૫૪ ભાવે ખૂલીને અંતે રૂ. ૨૮૮ના સુધારા સાથે રૂ. ૪૯,૮૯૪ની સપાટી પર સ્થિર થયું હતું. એ જ રીતે ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું ૧૦ ગ્રામે રૂ. ૪૯,૪૦૭ના પાછલા બંધ સામે રૂ. ૪૯,૪૫૫ના ભાવે ખૂલીને અંતે રૂ. ૨૮૭ના સુધારા સાથે રૂ. ૪૯,૬૯૪ની સપાટી પર સ્થિર થયું હતું. હાજર ચાંદી એક કિલોદીઠ રૂ. ૫૬,૬૬૭ના પાછલા બંધ સામે ગુરુવારે રૂ. ૫૬,૭૬૪ની સપાટીએ ખૂલ્યા બાદ રૂ. ૬૭૬ના ઉછાળા સાથે રૂ. ૫૭,૩૪૩ની સપાટીએ બંધ રહી હતી. ગોલ્ડનો ભાવ વિશ્ર્વબજારમાં ઔશ દીઠ વધીને ૧૬૭૭ ડોલર બોલાયો હતો, જોકે સિલ્વરનો ભાવ ૧૯.૬૯ પ્રતિ ઔંશની સપાટીએ સ્થિર હતો.

Google search engine