(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સોનાના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો અને ભાવ ઔંસદીઠ ૧૮૫૦ ડૉલરની ઉપર ક્વૉટ થઈ રહ્યા હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી અને શુદ્ધ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬,૦૦૦ની સપાટીની લગોલગ પહોંચ્યા હતા. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૨૬ પૈસાનો સુધારો જોવા મળી રહ્યો હતો. આમ રૂપિયો મજબૂત થતાં સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં સ્થાનિકમાં સોનામાં ભાવવધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં વિશ્ર્વ બજારથી વિપરીત સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩૪૭નો ઘટાડો જોવા મળ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને અવગણીને સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૪૭ના ઘટાડા સાથે રૂ. ૬૮,૮૮૦ની સપાટીએ રહ્યા હતા. જોકે, આજે મધ્ય સત્ર દરમિયાન વિશ્વ બજાર પાછળ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૨૨ વધીને રૂ. ૫૫,૬૮૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૩૨૪ વધીને રૂ. ૫૫,૯૦૫ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં ઊંચા મથાળેથી રિટેલ સ્તરની તેમ જ જ્વેલરી ઉત્પાદકોની લેવાલી અત્યંત નિરસ રહી હતી અને માત્ર સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી છૂટીછવાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વૈશ્વિક વિનિમય બજારમાં અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સમાં ૦.૪ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા વધીને ૧૮૫૧ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૬ ટકા વધીને ૧૮૫૭.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધથી ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૪.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં વૈશ્વિક આર્થિક મંદીની ચિંતા અને રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતા વર્ષ ૨૦૨૩ દરમિયાન સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેવાનો આશાવાદ વ્યક્ત કરતાં વિશ્લેશકો જણાવે છે કે ફેડરલ રિઝર્વ નાણાનીતિ હળવી કરશે તે સમયગાળા દરમિયાન પણ સોનામાં રોકાણકારોનાં આંતરપ્રવાહનો ટેકો મળે તેવી શક્યતા નકારી ન શકાય. તેમ છતાં હાલની સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના વૈશ્વિક ભાવ ઔંસદીઠ ૧૮૮૦ ડૉલર સુધી પહોંચી શકે તેમ છે. તેમ જ વર્ષ દરમિયાન સરેરાશ ૧૮૦૦ ડૉલરની ભાવસપાટી જળવાઈ રહે તેવી શક્યતા વિશ્લેશકો વ્યક્ત કરી રહ્યા છે.