મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ત્રણ મહિનાની ઊંચી સપાટીએથી પાછો ફર્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. જોકે, આજે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના જોબ ડેટા પર સ્થિર થઈ હોવાથી રોકાણકારોએ નવી ખરીદીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીમાં નિરુત્સાહ હતો, પરંતુ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતર વધી આવતા સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧નો મામૂલી સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૯૦નો ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૦ના ઘટાડા સાથે રૂ. ૬૧,૭૯૩ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકોની માગ પણ નિરસ રહી હતી, પરંતુ રિટેલ સ્તરની લગ્નસરાની માગ ઉપરાંત રૂપિયો નબળો પડવાને કારણે હાજરમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧ વધીને ૯૯.૫ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૫,૦૬૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૫,૨૮૬ના મથાળે રહ્યા હતા. આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ નોંધાતા હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ૧૮૧૮.૦૩ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ૧૮૨૧.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૦.૧૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે રોકાણકારો અને ટ્રેડરોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના જોબ ડેટા પર સ્થિર થઈ છે. જોકે, ફેબ્રુઆરી મહિનામાં નોન ફાર્મ પેરોલ ડેટા અથવા તો નોન ફાર્મ રોજગારોની સંખ્યામાં ૨,૦૫,૦૦૦નો ઉમેરો થવાની ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.