સોનામાં ₹ ૨૬૪નો અને ચાંદીમાં ₹ ૮૪૭નો સુધારો

બિઝનેસ

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળવાની સાથે આ મહિનાના અંતની ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકમાં ૧૦૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવે તેવી શક્યતા પાતળી જણાતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની ઘટ્યા મથાળેથી લેવાલીને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૩થી ૨૬૪નો સુધારો આવ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૬ પૈસાનું ધોવાણ થયું હોવાથી સોનાની આયાત પડતર વધવાને કારણે સોનાના ભાવવધારાને ટેકો મળ્યો હતો. વધુમાં આજે વિશ્ર્વ બજાર પાછળ ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૮૪૭નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૪૭ વધીને રૂ. ૫૫,૬૧૪ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ ઘટ્યા મથાળેથી રિટેલ સ્તરની, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી નીકળી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહી હોવા છતાં વિશ્ર્વ બજાર પાછળ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૩ વધીને રૂ. ૫૦,૪૬૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૬૪ વધીને રૂ. ૫૦,૬૬૭ના મથાળે રહ્યા હતા.
ગત શુક્રવારે અમેરિકા ખાતે યુનિવર્સિટી ઑફ મિશિગન દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક સર્વેક્ષણમાં જુલાઈ મહિનાનો ગ્રાહક ભાવાંકલક્ષી ફુગાવો પાંચ વર્ષની ઊંચી અને ગત જૂન મહિનાના ૩.૧ ટકા સામે ઘટીને ૨.૮ ટકાની સપાટીએ રહેવાની ધારણા મૂકવામાં આવી હોવાથી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૧૦૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા ધૂંધળી બનતાં આજે ડૉલર ઈન્ડેક્સ ૨૦ મહિનાની ઊંચી સપાટીએથી પાછો ફર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.