સોનામાં ₹ ૨૩૮નો સુધારો, ચાંદી ₹ ૩૧૩ વધી

વેપાર વાણિજ્ય

મુંબઈ: રશિયાએ સરહદ પર આંશિક ધોરણે સૈન્યદળ મોકલવાનો નિર્દેશ આપતાં રોકાણકારોમાં પુન: રશિયા-યુક્રેનવચ્ચેની રાજકીય-ભૌગોલિક ચિંતા સપાટી પર આવતાં આજે વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં સોનામાં સલામતી માટેની માગ નીકળતાં ભાવમાં સુધારો આવ્યો હતો. જોકે, આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરનાં વધારા અંગેની જાહેરાત કરનાર હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો. તેમ છતાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૨૬ પૈસાનો કડાકો બોલાઈ જવાથી સોનાની આયાત પડતર વધતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૭થી ૨૩૮નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૧૩નો વધારો થયો હતો. આજે વૈશ્ર્વિક ચાંદીના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક સોના-ચાંદી બજારમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૧૩ વધીને રૂ. ૫૬,૬૬૭ની સપાટીએ રહ્યા હતા, જ્યારે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૭ વધીને રૂ. ૪૯,૪૦૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૩૮ વધીને રૂ. ૪૯,૬૦૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન આજે રશિયન પ્રમુખ પુતિને દેશના બચાવ માટે સૈન્યનને સરહદ પર મોકલવાનું જણાવ્યું હોવાના અહેવાલે રાજકીય-ભૌગોલિક તણાવ સપાટી પર આવતાં લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં સલામતી માટેની લેવાલી નીકળતાં સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૧૬૭૩.૯૧ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૭ ટકા વધીને ૧૬૮૨.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતી અને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી એક ટકો ઉછળીને ઔંસદીઠ ૧૯.૪૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન આજે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વના વ્યાજ વધારાના નિર્ણય પર સ્થિર થઈ છે. જોકે, ૮૧ ટકા ટ્રેડરોનું માનવું છે કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરશે, જ્યારે ૧૯ ટકા ટ્રેડરો ૧૦૦ બેઝિસ પૉઈન્ટના વધારાની ધારણા મૂકી રહ્યા છે. સામાન્યપણે વ્યાજદર વધારાના સંજોગોમાં સોનાના ભાવમાં સુધારો જોવા મળતો હોય છે, પરંતુ હાલના તબક્કે ડૉલર ઈન્ડેક અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતું હોવાથી સોના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા છે. આમ સોનામાં રોકાણકારોની વેચવાલીનું દબાણ રહેતાં ગઈકાલે વિશ્ર્વના સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું સોનાનું હોલ્ડિંગ ઘટીને ગત ૧૮ જુલાઈ પછીની નીચી સપાટીએ પહોંચ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.