વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૧૬૪નો સુધારો, ચાંદી ₹ ૭૪૪ ચમકી

વેપાર વાણિજ્ય

મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં ઘણા સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા પુન: સપાટી પર આવતા આજે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે લંડન ખાતે સોનાના ભાવ બેતરફી વધઘટે અથડાઈ ગયા હતા. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વૈશ્ર્વિક સોના-ચાંદીમાં સુધારાતરફી વલણ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૩૯ પૈસા ગબડ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થતાં હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૪થી ૧૬૫નો સુધારો આવ્યો હતો.
વધુમાં આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ૧.૨ ટકાનો ઉછાળો આવ્યાના નિર્દેશો મળતાં સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૪૪ વધી આવ્યા હતા. આજે વૈશ્ર્વિક બજારમાં ચાંદીના ભાવમાં ઉછાળો આવતાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૪૪ના ચમકારા સાથે રૂ. ૫૮,૧૦૬ના મથાળે રહ્યા હતા. સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, પરંતુ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતા ૧૦ ગ્રામદીઠ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૬૪ વધીને રૂ. ૫૧,૯૭૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૬૫ વધીને રૂ. ૫૨,૧૮૪ના મથાળે રહ્યા હતા.
અમેરિકાના જોબ ડેટા અત્યંત પ્રોત્સાહક આવતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં સોનામાં રોકાણકારોની માગ નિરસ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં લોલક જેવી સ્થિતિ રહેતાં બેતરફી વધઘટે અથડાઈ ગયા હતા. આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૭૭૮.૩૪ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૧ ટકા વધીને ૧૭૯૩.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૧.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૦.૧૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વિશ્ર્લેષકોના મતાનુસાર તાજેતરમાં અમેરિકાના જોબ ડેટા પ્રોત્સાહક આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા પ્રબળ બની હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ રહેશે. એકંદરે ૭૩.૫ ટકા વેપારી વર્તુળોનું માનવું છે કે હવે પછી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરશે, જ્યારે ટેક્નિકલ એનાલિસ્ટોના મતાનુસાર આગામી ટૂંકા સમયગાળા માટે સોનામાં ઔંસદીઠ ૧૭૬૭ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી છે અને આ સપાટી તૂટતા ભાવ ઘટીને ૧૭૪૮થી ૧૭૫૬ ડૉલર આસપાસ પહોંચશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.