સોનામાં ₹ ૧૩૦નો સુધારો, ચાંદી ₹ ૬૬૫ તૂટી

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ તેમ જ અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડમાં વધારો થવાને કારણે લંડન ખાતે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા ગબડીને નવી નીચી સપાટીએ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૯થી ૧૩૦નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૬૬૫નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૬૫ના ઘટાડા સાથે રૂ. ૫૯,૮૫૩ની સપાટીએ રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની એમ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહી હોવા છતાં ડૉલર સામે રૂપિયો વધુ ૧૮ પૈસા તૂટ્યો હોવાથી આયાત પડતરમાં વધારો થવાથી વિશ્ર્વ બજારથી વિપરીત ભાવમાં સુધારતરફી વલણ રહ્યું હતું અને સત્રના અંતે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૯ વધીને રૂ. ૫૦,૯૫૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૩૦ વધીને રૂ. ૫૧,૧૫૯ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ૦.૧૩ ટકાનો સુધારો તેમ જ અમેરિકી બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૮૧૭ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૮૧૭.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૨૦.૮૪ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.